Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પ્રજાને ઘરઆંગણે ન્યાય મળે તે માટે સરકાર પૂર્ણ કટિબદ્ધ

૧૬૫૩.૩૫ કરોડની માંગણીઓ મંજુર કરાઈ: અદાલતોની કામગીરીમાં પારદર્શિતાના હેતુથી સીસીટીવી નેટવર્ક માટે ૬૧.૫૫ કરોડની જોગવાઈ થઇ : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ,તા.૧૨: કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાયના સૂત્રને મંત્ર બનાવી રાજ્યમાં કાયદાનું શાસન સ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.  દરેક વ્યક્તિને સસ્તો, અને ઝડપી અને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ પ્રયત્નશીલ છે. પક્ષકારોની સંવેદના સમજીને અરજદારોને સમયસર ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતાને વ્યક્ત કરતા કાયદા મંત્રીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય નહોતી એટલી સંખ્યામાં આજે રાજ્યમાં વિવિધ સ્તરની કોર્ટો કાર્યરત કરીને કાયદા તંત્રને વધુ અસરકારક બનાવવામાં આવ્યું હોવાથી રાજ્યમાં શાંતિ સલામતી અને સમૃધ્ધિનું નિર્માણ થયું છે. વિધાનસભામાં કાયદા વિભાગ માટેની અંદાજપત્રીય જોગવાઇઓ પર વિગતો આપતા કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું નિર્માણ થયું છે. કાયદાના શાસનને વધુ અસરકારક બનાવવા આગામી વર્ષ માટે અંદાજપત્રમાં કાયદા વિભાગ માટે કરવામાં આવેલી ૧,૬૫૩.૩૫ કરોડની ફાળવણીનો ઉલ્લેખ કરતા કાયદા મંત્રીએ જણાવ્યું કે, ૨૦૦૩-૦૪માં ન્યાયતંત્ર માટેનું બજેટ માત્ર ૧૪૦.૧૯ કરોડ હતું, તેમાં ૧,૧૭૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં કાયદાનું કડક સુશાસન પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની કટિબધ્ધતા વ્યક્ત થતી હોવાનું કાયદા મંત્રીએ ઉમેર્યું હતું. કાયદા મંત્રીએ જણાવ્યું કે, ૨૦૧૫માં વિવિધ સ્તરની ૮૯૪ કોર્ટો કાર્યરત હતી. છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૩૪ કોર્ટ શરૂ કરવામાં આવી છે. રાજયના ૨૪૯ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓમાં સિવિલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષમાં અધિક જિલ્લા ન્યાયાધિશની ૧૦ તથા સિનીયર સિવિલ જજની ૩ મળીને ૧૩ તાલુકા કોર્ટ શરૂ કરવામાં આવશે.

ન્યાયતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે કોર્ટોને માળખાગત સુવિધાઓ આપવા સાથે ન્યાયાધિશ તેમજ સપોટલ્લગ સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં ૨૫૯૪ જગ્યાઓ મંજૂર થવાથી રાજ્યની તાબાની અદાલતોમાં મહેકમની સંખ્યા ૧૧,૦૩૦ થઇ છે. આગામી વર્ષમાં વધુ ૬૪૫ જેટલી જગ્યાઓ માટે જોગવાઇ કરવમાં આવી છે. મહિલાઓને ઝડપથી ન્યાય મળી રહે તે માટે ફેમિલી કોર્ટ મહત્વની હોય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓમાં ફેમિલી કોર્ટ કાર્યરત હતી, તેમાં વધારો કરીને હવે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં કુલ ૪૬ જેટલી ફેમિલી કોર્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૩૮ જેટલી ફેમિલી કોર્ટો કાર્યરત કરીને રાજ્ય સરકારે મહિલાઓ પ્રત્યેની સંવેદનાઓને વાચા આપી છે. રાજ્યમાં વધી રહેલા ઔદ્યોગિક વિકાસના કારણે કામદારોને લગતા પ્રશ્નનો ત્વરિત નિરાકરણ આવે તે માટે રાજ્યના ૯ જિલ્લાઓમાં ઔદ્યોગિક અદાલતો અને ૨૨ જિલ્લાઓમાં મજૂર અદાલતો કાર્યરત હોવાનું કાયદા મંત્રીએ જણાવ્યું હતું. કાયદા મંત્રીએ વધુમા જણાવ્યું કે,  જુદા-જુદા સ્પેશ્યલ એક્ટ હેઠળ ૨૦૧૫માં રાજ્યમાં ૧૪૪ સ્પેશ્યલ કોર્ટ કાર્યરત હતી. છેલ્લા ત્રણ વર્ષમાં વધુ ૨૫૯ નવી કોર્ટ શરૂ કરવામાં આવી છે. આમ, હાલમાં કુલ-૪૦૩ જેટલી સ્પેશ્યલ કોર્ટ કાર્યરત છે. ગુજરાત હાઇકોર્ટ તથા તાબાની અદાલતોમાં મહત્વના રેકોર્ડોનું ડીઝીટીલાઇઝેશન માટે આગામી વર્ષમાં ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કોર્ટ રૂમમાં થતી કાર્યવાહીમાં પારદર્શિતા આવે તથા કોર્ટ સ્ટાફ દ્વારા થતી કામગીરી ઉપર દેખરેખ રહે તે માટે રાજ્યની અદાલતોને સીસીટીવીના માધ્યમથી સાંકળી લેવા માટે ગત વર્ષે કુલ ૫૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તે અંગતર્ગત ૩૪૩ કોર્ટ બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિમાં છે.

 

(9:47 pm IST)