Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બમરોલીમાં કારીગરના મોત બાદ પોલીસ પર પથ્થરમારો

પોલીસને ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી : સંચાના કારખાનામાં કારીગરના મોત બાદ સેંકડો કારીગરો રસ્તા પર ઉતરીને ધમાલ મચાવી દીધી : જોરદાર તંગદિલી

અમદાવાદ, તા.૧૨ : સુરતના બમરોલીની હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં કારખાનામાં કારીગરનું મોત નીપજ્યા બાદ સાથી કારીગરોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલામાં દસ લાખ રૂપિયાના વળતર અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહીની ઉગ્ર માંગણી કરી દેખાવો કરતાં એક તબક્કે મામલો બીચકયો હતો. સેંકડો કારીગરોના ટોળા અને ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ આવેશમાં આવીને એક તબક્કે પોલીસ પર પથ્થરમારો કરતાં વાત વણસી હતી અને પોલીસને ટીયરગેસના શેલ છોડી અને લાઠીચાર્જ કરી  પરિસ્થતિ કાબૂમાં લેવાની ફરજ પડી હતી. જો કે, કારીગરો અને પોલીસના આ ઘર્ષણને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતું. એટલું જ નહી, સ્થાનિક દુકાનો-બજારો સ્વયંભુ બંધ થઇ જતાં કર્ફયુ જેવો માહોલ સર્જાયો હતો. પોલીસ પર થયેલા પથ્થરમારામાં બે મહિલા પીએસઆઇ સહિતના કર્મચારીઓને ઇજા પહોંચી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઈન્ડસ્ટ્રીમાં ૧૩૮ નંબરના ખાતામાં સંચાનું કારખાનું ચાલી રહ્યું છે. જેમાં મૂળ ઓરિસ્સાવાસી ૪૦ વર્ષીય કારીગર દયા મોહન ગોડ સંચા કારીગર તરીકે કામ કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતી વખતે અચાનક તે જમીન પર ઢળી પડ્યો હતો. જેને લઈને સાથી કારગીરો દોડી આવ્યા હતા અને માલિકને જાણ કરી હતી. દરમ્યાન મોટી સંખ્યામાં સાથી કારીગરો કારખાના પર એકઠાં થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો મોટી સંખ્યામાં કોફલો દોડી આવ્યો હતો. કારખાનામાં રહેલા મૃતદેહને લેવા આવેલી શબવાહિનીને જોઈ ટોળું ભડકી ઉઠ્યું હતું અને શબવાહિનીના કાચ તોડીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોતજોતામાં સેંકડો કારીગરો અને સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને એક તબક્કે પોલીસ પર ગુસ્સો ઉતારતાં પથ્થરમારો કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે ચાર જેટલા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કારીગરના મોત બાદ એકઠાં થયેલા લોકો અને કારખાનાના માલિક વચ્ચે વળતર અને અન્ય માંગ અંગે વાતચીત કરાવવામાં આવી હતી. વાત વણસતાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને કારખાના પર પથ્થરમારો ચાલુ કરી દેતાં એક તબક્કે પોલીસને ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કારખાનાના માલિક અંકુર જયંતીભાઈ ચેવલીએ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારની હાજરીમાં જણાવ્યું હતું કે, પાંડેસરામાં આવેલા વડોદ ગામના ગણેશનગરમાં દયા ગોડ રહેતો હતો અને છેલ્લા ૬ મહિનાથી કારખાનામાં કામ કરતો હતો. રાત્રે દયા ચા પીવા માટે ગયો હતો. ત્યારબાદ તબિયત લથડતા ઓફિસમાં સૂઈ ગયો હતો. સવારે ૬.૫૫ કલાકે સાથી કારીગરોએ જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,તે નહી ઉઠતા મને જાણ કરી હતી. ત્યારબાદ ૧૦૮ને જાણ કરાઇ હતી. બ્રેન ડેડ હોવાના કારણે ૧૦૮ દ્વારા પોલીસને જાણ કરી હતી. દરમ્યાન કેટલાક કારીગરોએ વીજ કરંટથી મોત થયું હોવાની વાતો ફેલાવી દીધી હતી. જેથી આવી ઘટના બની હતી. દરમ્યાન પાંડેસરા પીઆઈ ડી.ડી.પવારે જણાવ્યું હતું કે, દયા ગોડના શંકાસ્પદ મોતના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

(8:18 pm IST)