Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથ નગરચર્યાએ : શ્રદ્ધાળુ ઉમટ્યા

શ્રદ્ધાળુઓ દ્વારા માર્ગોમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત : વડોદરાના ઘણા માર્ગો વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...હરીઓમ વિઠ્ઠલાના જયઘોષ ગુંજી ઉઠ્યા : ભકિતનો માહોલ છવાયો

અમદાવાદ, તા.૧૨ : વડોદરામાં દેવપોઢી અગિયારસ નિમિતે પરંપરા મુજબ, વડોદરા શહેરના એમ.જી.રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો અને યાત્રા નીકળ્યા હતા. ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળેલા ભગવાનની રાજમાતા શુંભાગીનીરાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પૂજા-અર્ચના કરી હતી. વડોદરા શહેરના માર્ગો પર ઠેર-ઠેર શ્રધ્ધાળુઓ દ્વારા વિઠ્ઠલ ભગવાનનું ભવ્ય સ્વાગત કરાયું હતુ અને સમગ્ર વાતાવરણ વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...હરીઓમ વિઠ્ઠલાના જયઘોષથી ગુંજી ઉઠયુ હતુ. દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો આજે સવારે ૯-૦૦ વાગ્યે નિજમંદિરેથી નીકળ્યો હતો. પરંપરાગત રીતે મહારાજા ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...ના જયઘોષ વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા હતા. સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે મેયર ડો. જીગીશાબહેન શેઠ સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વિઠ્ઠલનાથજીના જયઘોષ, બેન્ડવાજા, ભજન-કિર્તન સાથે નીકળેલા વરઘોડાનું માર્ગમાં વેપારી મંડળો તેમજ વિવિધ પોળના યુવક મંડળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી, ન્યાયમંદિર, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા, આરાધના સિનેમાગૃહ થઇને કિર્તી મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યો હતો. જ્યાં હરીની હર સાથે ભેટ થઇ હતી. બપોરે ૨-૩૦ કલાકે યાત્રા નિજમંદિરે આવવા માટે પરત નીકળી હતી અને બાદમાં નિજમંદિરે તેનું સમાપન થયુ હતુ. ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડા અને યાત્રાને લઇ વડોદરામાં ભકિતનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, દેવપોઢી અગિયારસથી હવે ચાર માસ ભગવાન શયનમાં જશે. તે સાથે શુભપ્રસંગો બંધ થશે. પરોઢે ૩-૦૦ વાગ્યે મંગળા આરતી થઇ હતી. ૭-૦૦ વાગ્યે શ્રૃંગાર આરતી અને ૮-૦૦ વાગ્યે રાજભોગ આરતી થઇ હતી. જયારે રાત્રે ૮-૦૦ વાગ્યે ભગવાનની શયન આરતી થઇ હતી. નિજમંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો રહેલો ભારે ધસારો મોડી રાત સુધી પણ ચાલુ રહ્યો હતો. વિઠ્ઠલનાથજીની નગરચર્યાને લઇ વડોદરા શહેર પોલીસ તંત્ર વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું હતું.

(8:17 pm IST)