Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગુજરાતમાં ગણત્રીના કલાકોમાં હેરોઇન, એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાયો

અ-ધ-ધ રકમનો દારૂ ઘુસાડવાની વાત હવે જુની, ગુજરાતમાં યુવાનોને નશાની ગર્તામાં ધકેલવા મોટેપાયે ડ્રગ્સ ઘુસાડાઇ રહયું છે : હેરોઇન મળ્યા બાદ સક્રિય બનેલ વડોદરા સીપી અનુપમસિંહ ગેહલોતે મહિલાઓ દ્વારા ચાલતી ગાંજાની હેરફેરનું નેટવર્ક ભેદીયુ : અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલ ટીમે પણ ૧પ કિલો ૧ર૦ ગ્રામ ગાંજાનો જથ્થો કુવિખ્યાત કાણીયા પાસેથી કબ્જે કર્યો. સુરતમાં મુંબઇથી ઘુસાડાતા એમડી ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ

રાજકોટ, તા., ૧૨: ગુજરાતમાં અ-ધ-ધ કિંમતના દારૂ પકડાયાના અહેવાલથી લોકો ચોંકી ઉઠયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી રકમનો દારૂ ઘુસે છે કઇ રીતે? તેનું આશ્ચર્ય ભલે થતું હોય પણ બહુ ઓછા લોકોને (પોલીસ સિવાય) એ વાતની ખબર છે કે લોકસભાની ચુંટણીના સમયગાળાથી ગુજરાતમાં મોટા પાયે નારકોર્ટીકસ ડ્રગ્સ તથા હેરોઇન, ગાંજા અને એમડી ડ્રગ્સનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. જો કે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા, સીઆઇડી વડા આશીષ ભાટીયા, વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા અમદાવાદ-વડોદરા અને સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગૃપ આ મામલામાં ખુબ જ સક્રિય થતા ગુજરાતના યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાના કાવત્રા સામે ચાલતા જંગને સફળતા સાંપડી રહી છે.

અમદાવાદના નાયબ પોલીસ કમિશ્નર ડો. હર્ષદ પટેલ અને તેની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અમદાવાદના શહેર કોટડા માધુભાઇ મીલ કંમ્પાઉન્ડ મીલ નજીકથી ૧પ કિલો ૧ર૦ ગ્રામ ગાંજો કે જેની અંદાજે કિંમત ૧ લાખ પ૧ હજાર ર૦૦ જેવી છે. જે મુદામાલ મળી ર લાખ ૧ હજાર પપ૦ જેવી થાય છે. તેની સાથે બે ઇસમોને પકડવામાં સફળતા મળી છે.

ગેરકાયદે ગાંજાની હેરફેરમાં કુવિખ્યાત વોન્ટેડ આરોપી કાણીયો વિ. ઝડપાઇ ગયા છે. વિશેષ તપાસ પીએસઆઇ બી.એમ.પટેલ  વિ. ચલાવી રહયા છે. આ જથ્થો પીઆઇ એ.ડી.પરમાર, પીએસઆઇ વાય.એસ. શિરસાઠ તથા પીએસઆઇ ડી.આઇ.સોલંકી તથા બી.ડી.ભટ્ટ  પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઝડપાઇ ગયો હતો.

દરમિયાન સુરતના ઉચ્ચ પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ખુલ્લેઆમ એમ.ડી.ડ્રગ્સની આપ-લે કરવાની બાતમી આધારે સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે ભાગાતળાવ, જે.કે.ચેમ્બર પાસેથી રૂ.૯.૮૦ લાખની કિંમતના ૧૯૬ ગ્રામ એમડી ડ્રગ્સની આપ-લે કરતા યુવાનને ઝડપી લેવાયો છે.  આ એમડી ડ્રગ્સ મુંબઇથી આવ્યાનું પોલીસ તપાસમાં ખુલતા મુંબઇના યુવાનને પકડવાના પ્રયાસો પોલીસ દ્વારા ચાલી રહયા છે.

યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે વડોદરાને ખાસ ટાર્ગેટ કરાયું હોવાથી વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ માટે તમામ પોલીસ મથકોને એલર્ટ કરી બાતમીદારોને કામે લગાડતા જ ૬ કિલો ગાંજો વડોદરાની પાણીગેટ વિસ્તારની ફરીદાને આપવા જઇ રહેલી આકોટા વિસ્તારની સંગીતાને ઝડપી પાડી છે.  ૬ર,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની તપાસમાં ફરીદાનું નામ ખુલતા ફરીદાના ઘેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશથી રેડ કરતા ર૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ બારામાં દેવગઢ બારીયાના ભીમસીંગ નામના શખ્સની સઘન શોધખોળ  ચાલી રહયાનું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

(1:23 pm IST)