Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ધોલેરા સરમાં ડિફેન્સ શસ્ત્રો પરીક્ષણ માટે ફાયરિંગ રેન્જ

સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવામાં મદદ મળશે : રેંજ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં ૨૦૦ ચોરસ કિલોમીટરમાં બનશે : ટૂંકમાં જ અમલવારી કરવા તૈયારી

અમદાવાદ, તા.૧૧ : રાજ્યમાં ડિફેન્સ સેક્ટરની કંપનીઓને આકર્ષવા માટે ગુજરાતમાં ધોલેરા (સર) ખાતે ડિફેન્સના હથિયારોના પરીક્ષણ માટે ફાયરિંગ રેન્જ બનવા જઈ રહી છે. આવી ફાયરીંગ રેન્જ બનાવવા માટે ઇન્ડિયન આર્મી તરફથી દરખાસ્ત મળી હતી. આ સિવાય બાબા કલ્યાણી ગ્રુપની ડીફેન્સ સેક્ટરની કંપની ભારત ફોર્જે પણ ફાયરિંગ રેન્જ બનાવવા માટે એક પ્રપોઝલ રાજ્ય સરકારને મળી હતી. ઉડ્ડયન ક્ષેત્રની તકો માટે કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) ગુજરાત, સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ, ધોલેરા ઔદ્યોગિક સીટી ડેવલપમેન્ટ લિમિટેડ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત બીજા ગુજરાત એવિએશન કોન્ક્લેવમાં ધોલેરા સરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી ધોલેરામાં ફાયરિંગ રેન્જ બનાવવા માટે સૈધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે. જો કે, આ ફાયરીંગ રેન્જ ક્યારથી કાર્યરત થશે તે હજુ નક્કી નથી પરંતુ સરકારને આશા છે કે તેનાથી રાજ્યમાં ડિફેન્સ સેક્ટરમાં રોકાણ આકર્ષવામાં મદદ મળશે. ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, અમને ઇન્ડિયન આર્મી તરફથી ફાયરિંગ રેન્જ બનાવવા માટેની દરખાસ્ત મળ્યા બાદ અમે તેના માટે ધોલેરામાં ૨૦૦ ચોરસ કિલોમીટર જગ્યાની પસંદગી કરી છે. આ રેન્જ મોટાભાગે ઇન્ડિયન આર્મી અને એરફોર્સ દ્વારા વાપરવામાં આવશે. આ ફાયરિંગ રેન્જની લંબાઈ ૨૫ કિલોમીટર હશે જ્યારે પહોળાઈ ૫ કિલોમીટરની રહેશે. શિવહરેએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલી જમીનમાં મોટા ભાગની જગ્યા સરકારની છે. આમ છતાં અમુક જમીન ખાનગી માલિકીની છે તેને હસ્તગત કરવામાં આવશે અને આના માટે જમીન માલિકોને યોગ્ય વળતર આપવામાં આવશે. આ ફાયરીંગ રેન્જ અખાતના દરિયા કિનારાની નજીક હશે. દેશમાં ડિફેન્સના ઉત્પાદનોની ચકાસણી માટે માર્યાદિત ફાયરિંગ રેન્જ ઉપલબ્ધ છે. જે ફાયરિંગ રેન્જ કાર્યરત છે તેમાં ખાનગી કંપનીઓને ટેસ્ટ કરવા માટે ખુબ જ ઓછો અવકાશ રહે છે તે જોતા અમે ધોલેરા ખાતેની રેન્જ પ્રાઈવેટ પ્લેયર્સ માટે પણ ખુલ્લી રાખીશું.

(9:14 pm IST)