Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો

વડોદરા, તાપી, વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર :ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા અનેક જગ્યાએ ઘુંટણ સુધી પાણી ભરાયા :જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું

અમદાવાદ,તા. ૧૨ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે તેની વાત કરવામાં આવે તો સુરતમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે જ્યારે તાપી જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અહીં વ્યારામાં આઠ ઇંચથી વધુ વરસાદ, વાલોડમાં સાત ઇંચથી વધુ વરસાદ, સોનગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. વલસાડની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં વલસાડમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. અવિરત વરસાદ જારી રહ્યો છે. વડોદરા જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ જોરદાર ધડબડાટી બોલાવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને પંથકોને મેઘરાજાએ જાણે બારે મેઘ ખાંગા કરી ઘમરોળી નાંખ્યા છે. અમરેલી,રાજકોટ, જાફરાબાદ સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર અને તોફાની વરસાદ નોંધાયો હતો. જેને પગલે આ પંથકોમાં પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. રાજકોટ જિલ્લામા શાપર વેરાવળ, રિબડા, ગોંડલ તાલુકાના અમુક વિસ્તારમા માત્ર એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. રાજકોટ ઉપરાંત જસદણ, આટકોટ, કોટડાસાંગાણી પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ ધોધમાર વરસાદ પડતા એકથી દોઢ ઇંચ નોંધાયો હતો. જાફરાબાદ તાલુકાના હેમાવ છેલાણ સહિતના ગામોમાં મૂશળધાર ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ખેતરો પાણીથી ઉભરાયા હતા. ઉના બાદ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા દીવ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરા જિલ્લામાં પણ સરેરાશ નવ ઇંચથી વધુ વરસાદ નોંધાતા કેટલાક પંથકોમાં ભારે તારાજી સર્જાઇ હતી. બીજી તરફ ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરના સંખેડા તાલુકાનું કાંટેશ્વર ગામ બેટમાં ફેરવાતાં સંપર્કવિહોણું બન્યું હતું. વડોદરા સિવાય પાદરા, કરજણ, ડભોઇ, વાઘોડિયા સહિતના પંથકોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં વધુ પડતી મહેર વરસાવતાં અહીંના લોકો હવે ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. સુરતમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન બે ઈંચ વરસાદના થોડા વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને માત્ર ૪ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગરનાળાઓમાં કેડસમા પાણી ભરાઈ જતા તે બંધ કરવાની ફરજ પડી હતી. અગમચેતીના પગલારૂપે સુરતના કલેક્ટર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને ખાનગી શાળાઓને પણ રજા રાખવા સુચન કરવામાં આવ્યું હતું. સુરતના નાના વરાછા વિસ્તારમાં એક સોસાયટી પાસે ભરાયેલા પાણીના પ્રવાહમાં એક મોટી દિવાલ ગણતરીની સેકન્ડોમાં ધરાશયી થઇ જતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દરમ્યાન વાપીથી શમલાજી જતા નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર મલોઠા ગામ પાસેનો એપ્રોચ ધરાશાયી થયો હતો.

ઝાંખરી નદીના બ્રિજ પર પણ દુર્ઘટના સર્જાઈ હતી. વ્યારાથી ઉનાઈ જતા નેશનલ હાઇવે નંબર ૫૬ના મલોઠા ગામે ઝાંખરી નદીનો એપ્રોચનો એક ભાગ ધરાશયી થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં તાપી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તો, નેશનલ હાઇવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બાદમાં આ રૂટનો તમામ વાહનવ્યવહાર વ્યારા વાલોડથી બેડચિત તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે મોતનો આંકડો વધીને ૧૯ ઉપર પહોંચી ગયો છે. દક્ષિણ, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ચારેબાજુ ભારે વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ.....

        અમદાવાદ, તા. ૧૨ :દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. છેલ્લા ૧૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ થયો તે નીચે મુજબ છે.

વલસાડ જિલ્લાના આંકડા

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

વલસાડ....................................... ચાર ઇંચથી વધુ

વાપી............................................... બે ઇંચથી વધુ

પારડી.......................................... ત્રણ ઇંચથી વધુ

કપરાડા........................................ ત્રણ ઇંચથી વધુ

ધરમપુર...................................... આઠ ઇંચથી વધુ

તાપી જિલ્લાના આંકડા

વ્યારા.......................................... આઠ ઇંચથી વધુ

વાલોડ......................................... સાત ઇંચથી વધુ

સોનગઢ....................................... ચાર ઇંચથી વધુ

ઉચ્છલ............................................ બે ઇંચથી વધુ

ડોલવણ..................................... આઠ ઇંચથી વધુુ

અમરેલી જિલ્લાના આંકડા

અમરેલી....................................... એક ઇંચથી વધુ

જાફરાબાદ.................................... એક ઇંચથી વધુ

સાંવરકુંડલા.................................. એક ઇંચથી વધુ

રાજકોટ જિલ્લાના આંકડા

શાપર વેરાવળ................................ બે ઇંચથી વધુ

ગોંડલ  બે ઇંચથી વધુ

(8:21 pm IST)