Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ચોરીના રૂપિયે ખરીદાયેલી કારનો માલિક કોણ? ચોર કે જેને ત્યાં ચોરી થઇ હતી તે?

એક રસપ્રદ કેસમાં ગુજરાત હાઇકોર્ટ આપશે ચુકાદો

અમદાવાદ તા. ૧૨ : જો ખરીદેલી કાર ચોરીના પૈસાની હોય તો તે કારનો માલિક કોણ ગણાય? આવા જ એક કેસમાં ગુજરાત હાઈકોર્ટ નિર્ણાયક ચુકાદો આપશે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા શરદચન્દ્ર શાહના ઘરેથી રોકડ અને ઘરેણા મળીને ૧૯.૫ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ મામલે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશને ફરિયદ નોંધાવી હતી. ચોરે ચોરીના પૈસેથી કાર ખરીદીને તેના દીકરાને ગિફટમાં આપી દીધી હતી.

થોડા મહિના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં થયેલ વિવિધ ચોરીમાં સંડોવાણી હોવાની શંકાએ સુરેશ મકવાણાની ધરપકડ કરી લીધી હતી. મકવાણાએ શરદચન્દ્રના ઘર સહિત શહેરના વિવિધ સ્થળે ચોરી કરી હોવાનું સ્વીકારી લીધું હતું પણ પ્રશ્ન ત્યાં આવીને અટકયો કે ચોરાયેલા પૈસામાંથી ખરીદેલી કારનો માલિક કોણ ગણાય?

પોલીસે જયારે ચોરેલા પૈસા વિશે પૂછપરછ કરી તો સુરેશ મકવાણાએ કહ્યું કે તેણે પોતાના દીકરા સંજયને લગ્નની ગિફટ આપવા માટે ૧૧ લાખની કાર ખરીદી દીધી છે. પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. બાદમાં શરદચન્દ્ર મકવાણાએમ મિરઝાપુર ગ્રામીણ કોર્ટમાં કારના પઝેશન માટે વિનંતી કરી હતી, દાવો કર્યો કે આરોપીએ ખરીદેલી કારના પૈસા તેના ઘરેથી ચોર્યા હતા.

જો કે સંજય મકવાણાએ આ મામલે વાંધો ઉઠાવ્યો. સંજયે કહ્યું કે પોતે કારનો રજિસ્ટર્ડ માલિક છે અને કારનું પઝેશન પણ તેને જ સોંપવું જોઈએ. ૧૬ મેના રોજ કોર્ટે શરદચન્દ્ર શાહની અરજી ફગાવી કારનું પઝેશન સંજયને સોંપવા પોલીસને આદેશ આપ્યો હતો, કેમ કે વાહન સંજયના નામે નોંધાયેલું હતું. જેને પગલે શરદચન્દ્ર શાહે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા.

ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતાં શરદચન્દ્રએ કહ્યું કે 'વાહન મારા પૈસાથી ખરીદેલું છે ત્યારે ચોરના દીકરાના નામે વાહન નોંધાયેલ હોય તેવામાં તે કાર પર હક ન જમાવી શકે.' શરદચન્દ્ર શાહના વકીલે કહ્યું કે જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ રાજય સરકાર અને સંજય મકવાણાને નોટિસ મોકલી અને ૩૦ જુલાઈના રોજ આ કેસ મામલે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.

(12:37 pm IST)