Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

બાંધકામના રિવાઇઝડ પ્લાન ઓફ લાઇન સ્વીકારવા સરકારનો નિર્ણય

સોફટવેરમાં હજુ પણ ઘણી મુશ્કેલી, બિલ્ડીંગ પ્લાન પાસ થતા જ નથી

અમદાવાદ તા. ૧૨ : નવા બાંધકામના પ્લાન માટે અમલી કરાયેલી ઓનલાઇન સિસ્ટમ ફેઇલ થવા છતાં રાજય સરકારે ઓફલાઇન પ્લાન સ્વીકારવાનું શરૂ કર્યું નથી. તેના કારણે હાઇરાઇઝડ તથા કોમર્શિયલ બાંધકામો અંગેનો એક પણ પ્લાન પાસ થયો નથી. ઉપરાંત, જે બાંધકામના પ્લાન પાસ થઇ ગયા છે તેમાં ચાલુ બાંધકામ દરમિયાન ફેરફાર કર્યો હોય તેવા પ્લાન પુનઃ મંજૂરી અર્થે ઓનલાઇન મૂકવા પડે છે. આ પ્રક્રિયામાં પણ ઘણી જ મુશ્કેલી ઉભી થવાના કારણે રાજય સરકારે હવે આવા રિવાઇઝડ પ્લાન મેન્યુઅલી (ઓફલાઇન) સ્વીકારવા નિર્ણય લીધો છે. આ નિર્ણયના અમલ અંગેનું જાહેરનામું આજે બહાર પાડી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારે સમગ્ર રાજયમાં ૧લી મેથી નવા બાંધકામના પ્લાન ઓનલાઇન સ્વીકારવા અને મંજૂરી આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. પરંતુ સોફટવેરમાં ઘણી મુશ્કેલી પડવાના કારણે હજુ સુધી વ્યકિતગત મકાનો સિવાય એક પણ નવા બાંધકામના પ્લાન પાસ થયા નથી. એટલું જ નહીં પણ અગાઉ જુના જીડીસીઆર મુજબ પ્લાન પાસ થઇ ગયો હોય અને અત્યારે ચાલુ બાંધકામમાં કેટલાક ફેરફાર કર્યા હોય તો નિયમ મુજબ રિવાઇઝડ પ્લાન મૂકી મંજૂરી લેવાની રહે છે પરંતુ નવા સોફટવેરમાં આવા પ્લાન સ્વીકારતા જ ન હોવાથી બિલ્ડરો તથા એન્જિનિયરોના એસોસીએશને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

સરકારને મળેલી રજૂઆતના પગલે આજે શહેરી વિકાસ વિભાગે જાહેરનામું બહાર પાડી રિવાઇઝડ પ્લાન મેન્યુઅલી સ્વીકારી તેને મંજૂરી આપવા આદેશ કર્યો છે. આ આદેશના પગલે જે ચાલુ બાંધકામો મંજૂરી વિના અટકી પડ્યા હતા તે પુનઃ ધમધમતા થઇ શકશે. સરકારે જાહેરનામામાં જણાવ્યું છે કે, બાંધકામ શરૂ કર્યું હોય તે અરજી સાથે આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે અને તેને સક્ષમ સત્તાવાળાઓ ઓફ લાઇન સ્વીકારી નિર્ણય લેવાનો રહેશે તથા જો તેમને જરૂર જણાય કે બાંધકામ ચાલુ કર્યા અંગે સંતોષકારક રજૂઆત નથી તેવા કિસ્સામાં ઓનલાઇન અરજી કરવા માટે આદેશ કરી શકાશે.(૨૧.૮)

 

(11:51 am IST)