Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

એક બેડ ન્યૂઝે કરી દીધા સીએમ વિજય રૂપાણીને લાલઘૂમ

ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બિઝનેસ કરવાના મામલે EODB રેન્કિંગમાંથી ગુજરાત ત્રીજા સ્થાનેથી ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગયું છે : કેબિનેટ મિટિંગમાં સિનિયર IAS અધિકારીઓનો કલાસ લેતા રૂપાણી : ગુજરાત પોતાનો રેન્ક જાળવી રાખવામાં કયાં નિષ્ફળ ગયું તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું

નવી દિલ્હી તા. ૧૨ : લોકસભા ચૂંટણીની એકદમ પહેલા જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે તાજેતરમાં જ મળેલા બેડ ન્યૂઝથી સીએમ વિજય રૂપાણી ભારે નારાજ થયા છે. ભારતના રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બિઝનેસ કરવાના મામલે EODB રેન્કિંગમાંથી ગુજરાત ત્રીજા સ્થાનેથી ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. સતત પાછળ ધકેલાઈ રહેલા રેન્કિંગને કારણે સવાલ ઉઠે છે કે શું ખરેખર હવે ગુજરાતમાં બિઝનેસ કરવો મુશ્કેલ થઈ ગયું છે? વર્લ્ડ બેંક અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા આ રેન્ક તૈયાર કરવામાં આવતો હોય છે.

ગુસ્સેથી લાલઘૂમ થયેલા રૂપાણીએ બુધવારે કેબિનેટ મિટિંગમાં સિનિયર IAS અધિકારીઓનો કલાસ લીધો હતો અને ગુજરાત પોતાનો રેન્ક જાળવી રાખવામાં કયાં નિષ્ફળ ગયું તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું. ગુજરાતે DIPP અને વર્લ્ડબેન્ક દ્વારા EODB રેન્ક આપવાની પદ્ઘતિ પર પણ સવાલો ઉઠાવ્યા. ગુજરાત ગવર્મેન્ટના એક અધિકારીએ કહ્યું કે, 'રેન્કનું જે રીતે કેલકયુલેશન થયું તે રીત યોગ્ય નથી. આ મામલે DIPP તરફથી સ્પષ્ટતા માંગીએ છીએ.'

વધુમાં અધિકારીએ કહ્યું કે હરિયાણાના ફિડબેક સ્કોર (૮૨.૯%)ની સરખામણીએ ગુજરાતનો ફિડબેક સ્કોર (૮૩.૬૪%) ઉંચો હોવા છતાં અને એવિડન્સ સ્કોર (૯૯.૭૩%) પણ હરિયણાથી ઉંચો હોવા છતાં ગુજરાત પાછળ રહ્યું. સંયુકત રીતે એવિડન્સ સ્કોર અને ફિડબેક સ્કોરના આધારે રેન્કિંગ આપવામાં આવતી હોય છે. રાજય કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપલોડ કરવામાં આવેલ એવિડન્સના આધારે એવિડન્સ સ્કોર મળે છે અને સર્વિસ ઉપલબ્ધ કરી હોય તેવા યૂઝર્સના ફિડબેકના આધારે ફિડબેક સ્કોર નક્કી થાય છે.

ડેવલપમેન્ટ સંબંધી એક સૂત્રએ જણાવ્યું કે, 'અમે ગુજરાતનો રેન્ક ત્રીજા નંબરેથી સુધરીને બીજા નંબરે પહોંચી જશે તેવી અપેક્ષા ધરાવતા હતા, પણ ઉલટાનો રેન્ક લપસીને પાંચમા સ્થળે પહોંચી ગયો છે જેથી અમને પણ આઘાત લાગ્યો છે. સીએમ આ રેન્કથી નારાજ હતા અને તેમણે આ મામલે સ્પષ્ટતા માંગી છે કે રાજયમાં આટલા બધા સુધારા થવા છતાં રાજયનો રેન્ક કેમ ન સુધર્યો.' ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં ગુજરાતનો રેન્ક પહેલા નંબરનો હતો પણ ૨૦૧૬માં તે ત્રીજા નંબરે પહોંચ્યો અને ૨૦૧૭માં પાંચમાં નંબરે પહોંચી ગયો.

મધ્ય પ્રદેશનો ફિડબેક સ્કોર (૭૯.૭૩%) છત્તીસગઢથી ઉંચો હોવા છતાં મધ્ય પ્રદેશ પાછળ રહ્યું. આ બંને રાજયનો રેન્ક છઠ્ઠો અને સાતમો છે. આ વખતે પણ બિઝનેસ કરવા માટે બેસ્ટ સ્ટેટ તરીકે આંધ્ર પ્રદેશ બાજી મારી ગયું. બિઝનેસ રિફોર્મ એકશન પ્લાન (BRAP) ઈન્ડેકસ મુજબ તેલંગણા અને હરિયાણા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે રહ્યું. CII પ્રમુખ રાકેશ ભારતી મિત્તલે કહ્યું કે, 'દરેક રાજયમાં વાજબી વૃદ્ઘિની ખાતરી કરવા માટે ફાયદાકારક રોકાણ સિસ્ટમ ઉભી કરવી ખાસ જરૂરી છે અને તેના માટે રેન્કિંગ સિસ્ટમમાં સુધારો પ્રોત્સાહક સાબિત થશે.'

(11:29 am IST)