Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમદાવાદમાં પોલીસના 'મહાકુંભના મેળા' જેવા દ્રશ્યો

આઈજીપી સુભાષ ત્રિવેદીને મહત્વની જવાબદારીઃ ગ્રાન્ડ રીહર્સલમાં સીપી (પોલીસ કમિશ્નર)થી લઈ પીસી (પોલીસ કોન્સ્ટેબલ) સુધીનો સ્ટાફ અર્ધ લશ્કરી દળ સાથે સામેલ

અમદાવાદમાં પોલીસના 'મહાકુંભના મેળા' જેવા દ્રશ્યો

રાજકોટ, તા. ૧૨ :. પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા પોલીસ બંદોબસ્તવાળી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસે ગઈકાલે રૂટનું મીની રિહર્સલ યોજ્યા બાદ આજ સવારથી જ પોલીસ દ્વારા મેગા ગ્રાન્ડ રિહર્સલનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ અમદાવાદમાં જ્યાં નજર નાખો ત્યાં પોલીસના ધાડા, અર્ધ લશ્કરી દળો અને ચિચિયારી કરતી પોલીસ વાયરલેસ વાનો અને પોલીસના ભારેખમ બુટોના અવાજો જ સંભળાય રહ્યા છે. આવા દ્રશ્યોને કારણે પોલીસના મહાકુંભના મેળા જેવો ભાસ થઈ રહ્યો છે.

 

આજના ગ્રાન્ડ રિહર્સલની વિશેષતા એ રહી કે, રિહર્સલમાં પોલીસ કમિશ્નર એ.કે. સિંઘથી લઈ સામાન્ય પોલીસમેનો ઉચ્ચ અધિકારીઓ અને અર્ધ લશ્કરી દળો, કમાન્ડો, સ્નીફર ડોગસ્કવોડ સહિતના દળો અને બોમ્બ સ્કવોડના નિષ્ણાંતો સાથે સામેલ થયા હતા. સમગ્ર મોરચો ક્રાઈમ બ્રાંચ દ્વારા સંભાળવામાં આવ્યો છે. આ વખતે સૌ પ્રથમ વખત રથયાત્રાનું નિરીક્ષણ ઉપરથી ડ્રોન કરતા વધુ ક્ષમતાવાળા ઈઝરાયેલી ટેકનોલોજીવાળા બલુનથી કરવામાં આવનાર છે.

રથયાત્રાની ત્રિસ્તરીય સુરક્ષા, રથયાત્રાના પ્રારંભે મહાનુભાવોની મોટી હાજરી લોકોની ભીડ સાથોસાથ મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ વગેરે હાજર રહેવાના હોવાથી કોઈ જાતની સુરક્ષામાં ચુક ન થાય કે ટ્રાફીક વ્યવસ્થા ન ખોરવાઈ તે માટેની વિશેષ જવાબદારી બહોળો અનુભવ ધરાવતા વડોદરા આર્મ્સ યુનીટના આઈજીપી સુભાષ ત્રિવેદીને સુપ્રત કરવામાં આવ્યાનું સૂત્રો જણાવે છે.

રથયાત્રામાં બહારથી કોઈ તત્વો આવી ગરબડો કરવાનો પ્રયાસ ન કરે તેની સાવચેતી માટે સંખ્યાબંધ હોટલોનું સરપ્રાઈઝ ચેકીંગ ચાલી રહ્યુ છે. ઠેર ઠેર તલાસીઓ અને નાકાબંધી કરવામાં આવેલ છે. રિહર્સલ દરમ્યાન જે કાંઈ ત્રુટી નજરે પડે તે તાત્કાલીક સુધારી શકાય તે માટે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમના ડીસીપી એચ.આર. મુલિયાણાને જવાબદારી સુપ્રત થઈ હોવાથી તેઓ પરોઢથી જ કંટ્રોલ રૂમમાં પહોંચી ગયાનું સૂત્રો જણાવે છે.

રથયાત્રાના બંદોબસ્તમાં ડીજીપી કક્ષાના અધિકારીની મદદમાં અમદાવાદના જ બે એડીશ્નલ ડીજી કક્ષાના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર (ડો. કે.એલ.એન. રાવ) અને જે.કે. ભટ્ટ સમગ્ર સુકાન સંભાળી રહ્યા છે. મહિલા બુટલેગરની ચેલેન્જ સ્વીકારનાર સેકટર-૨ ના કાર્યદક્ષ એડી. પોલીસ કમિશ્નર કે જેઓ છારાનગરમાં બુલડોઝર સાથે પહોેંચી બુટલેગરોના ધંધાના સ્થાનોનો કચ્ચરઘાણ વાળી નાખેલ તેવા અશોકકુમાર યાદવને લુખ્ખા તત્વો તથા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવાની વિશેષ જવાબદારી અપાઈ છે.

બીજી તરફ જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે તેવા અમદાવાદના જગન્નાથ મંદિરે આજે મંગળા આરતી બાદ નેત્રોત્સવ વિધિ ભકતોની ભારે ભીડ વચ્ચે કરવામાં આવેલ. મંદિરમાં અત્યારે સાધુ-સંતોના ભંડારા માટે તૈયારીઓનો ધમધમાટ બોલેલ. દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે વિશેષ પ્રસાદની વ્યવસ્થા થઈ છે. ભાવિકો માટે મગનો પ્રસાદ અપાતો હોય હજારો લોકો દ્વારા મગની સેવા મંદિરને અપાઈ રહી છે.(૨-૧૫)

આતંકવાદી ઈનપુટ મળ્યાની વાત બેબુનિયાદ છે

રાજકોટઃ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે મહાયુદ્ધના મોરચા જેવા બંદોબસ્તને કારણે તથા પ્રતિ વર્ષ કરતા ચાલુ વર્ષે વિશેષ બંદોબસ્તને કારણે સેન્ટ્રલ આઈબી દ્વારા આતંકવાદી ઈનપુટ મળ્યાની ચાલતી ચર્ચા બેબુનિયાદ હોવાનું ઉચ્ચ પોલીસ સૂત્રોએ ભારપૂર્વક જણાવી માત્ર સાવચેતી ખાતર જ આવડો મોટો બંદોબસ્ત પરંપરાગત રીતે રખાયાનું જણાવ્યુ હતું

છત્રી, રેઈનકોટ સાથે પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં જોડાશે

રાજકોટઃ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા સમયે મેઘરાજા અષાઢી બીજે દે ધનાધન જેવુ કરે તો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાંથી નિયત કરેલ સ્થળેથી હટે નહી તે માટે તમામ પોલીસ સ્ટાફને છત્રી અને રેઈનકોટ સાથે ફરજ બજાવવા આદેશ અપાયાનું સૂત્રો જણાવે છે

(11:48 am IST)
  • નૌસેના વોર રૂમ લીકકાંડ મામલે નિવૃત કેપ્ટ્ન સલામસિંહ રાઠોડને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી દિલ્હીની અદાલત :અદાલતે કહ્યું કે રાઠોડ કોઈપણ પ્રકારની નરમીને હક્કદાર નથી કારણ કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગુન્હો કર્યો છે access_time 1:18 am IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • વરસાદથી માનવ મૃત્યુઆંક ૧૯ ઉપર પહોંચ્યો : ૮૪ પશુઓના મોત : રાજય સરકારે આંકડા જાહેર કર્યા access_time 6:34 pm IST