Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાજ્યના તમામ બંદરે 9 નંબરના સિગ્નલ :વાવાઝોડામાં અપાતા અલગ-અલગ નંબરના સિગ્નલનો જાણો મતલબ અને ગંભીરતા

દિવસ દરમિયાન લંબચોરસ, ચોરસ , અને ત્રિકોણ આકારનો ઉપયોગ

અમદાવાદ : ગુજરાતના દરિયાકાંઠે ધસમસતા ‘વાયુ’ વાવાઝોડાને પગલે રાજ્યના  તમામ બંદરો પર 9 નંબરનું સિગ્નલ જાહેર કર્યું છે  આ 9 નંબરનું સિગ્નલ એટલે શું? અને ‘સાઈક્લોન સિગ્લન’ કેવી રીતે જાહેર કરવામાં આવે છે અને તેનો અર્થ શું થાય છે.તે જાણવું રસપ્રદ બની રહશે

ભારતીય હવામાન ખાતા દ્વારા વાવાઝોડાની સ્થિતિને દર્શાવવા માટે આ પ્રકારના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાઈક્લોન સિગ્નલને 11 કેટેગરીમાં વિભાજીત કરવામાં આવે છે જેને 1 થી 11 નંબર આપવામાં આવ્યા છે. જેમાં સિગ્નલ 1,2 દરિયામાં દૂર સર્જાયેલા ખરાબ હવામાનની માહિતી આપે છે. સિગ્નલ નંબર 3,4 કિનારાની નજીકના ખરાબ હવામાનની માહિતી આપે છે. સિગ્નલ 5,6,7 ડેન્જર (ગંભીર) માનવામાં આવે છે, જ્યારે 8,9,10 અને 11 સિગ્નલને ગ્રેટ ડેન્જર (અતિ ગંભીર) સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે.
વાવાઝોડાથી લોકોને સાવચેત કરવા માટે બંદર પર સ્થાયી રીતે નક્કી કરેલી જગ્યા પર આ પ્રકારના ચિહ્નો દર્શાવવામાં આવે છે. જેના આધારે સમુદ્રમાં રહેલા જહાજો સાથે સંપર્ક કરી શકાય. ભારતમાં દિવસ અને રાત્રી દરમિયાન અલગ-અલગ પ્રકારના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસ દરમિયાન લંબચોરસ █ ચોરસ ◼ અને ત્રિકોણ ▲ આકારનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રી દરમિયાન લાઈટને આધારે જાણકારી આપવામાં આવે છે. કેટલાક દેશોમાં અલગ-અલગ કલરના ઝંડાઓ લહેરાવી માહિતી આપવામાં આવે છે.
સિગ્નલ 1
જ્યારે વાવાઝોડાને કારણે પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાકની હોય ત્યારે 1 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે દરિયામાં રહેલા વાવાઝોડાની સાવધાન રહેવું. ને આડી દિશામાં દર્શાવામાં આવે છે. જ્યારે રાત્રી દરમિયાન કોઈ લાઈટ દર્શાવવામાં આવતી નથી
સિગ્નલ 2
60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિગ્નલ જહાજો માટે હોય છે કે તેઓ દરિયા કિનારેથી દૂર થઈ જાય.
સિગ્નલ 3
આ સિગ્નલ અર્થ થાય છે કે વાવાઝોડાની અસર બંદર પર થઈ શકે છે. આ સમયે પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકની રહેશે.
સિગ્નલ 4
50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. તેનો અર્થ થાય છે કે કિનારે ઊભા રહેલા જહાજોને જોખમ રહેલું છે. દરિયા કિનારે હવામાન ખરાબ હોવાની જાણકારી આપવા માટે 3 અને 4 નંબરના સિગ્નલ આપવામાં આવે છે
સિગ્નલ 5
આ સિગ્નલમાં પવનની ઝડપ 60 થી 80 કિમી પ્રતિ કલાક રહેશે. વાવાઝોડું કિનારાથી ડાબી બાજુ જઈ શકે છે.
સિગ્નલ 6
સિગ્નલ 5ની જેમ જ પવનની ઝડપ 60 થી 80 કિમી પ્રતિ કલાક રહેશે. વાવાઝોડું કિનારાથી જમણી બાજુ જઈ શકે છે.
સિગ્નલ 7
આ સિગ્નલનો અર્થ છે વાવાઝોડું દરિયા કિનારા નજીક અથવા કિનારે પહોંચી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 60 થી 80 કિમી પ્રતિ કલાક રહેશે.
સિગ્નલ 8
આ સિગ્નલ ખતરનાક ગણવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે વાવાઝોડું દરિયા કિનારાથી ડાબી બાજુ આગળ વધશે. આ દરમિયાન વાવાઝોડાને કારણે પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાક રહેશે.
સિગ્નલ 9
આ સિગ્નલનો અર્થ પણ ગંભીર ચેતવણી રૂપે કરવામાં આવે છે. વાવાઝોડું દરિયા કિનારાથી ઝમણી બાજુ આગળ વધશે. પવનની ઝડપ 90 થી 120 કિમી પ્રતિ કલાકથી વધારે રહી શકે છે.
સિગ્નલ 10
પરિસ્થિતિ વધારે ગંભીર બનતા 10 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે વાવાઝોડું ગંભીર રૂપે દરિયા કિનારે અથવા નજીક ત્રાટકી શકે છે. હવાની ઝડપ 220 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
સિગ્નલ 11
સિગ્નલ 11નો અર્થ થાય છે કે સાઈક્લોન વોર્નિંગ ઓફિસ પાસે તમામ કોમ્યુનિકેશન ફેઈલ થઈ ગયા છે.

(1:06 am IST)