Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદઃ વાવાઝોડા સામે તંત્ર સતર્ક

તોફાની વરસાદના કહેરથી વિજળી-વૃક્ષો પડવાના અનેક બનાવોઃ પાંચના મોતઃ ૪૪ ગામોમાં એલર્ટઃ સુરતથી ઉમરગામ સુધીના તમામ 'બીચ' ૩ દિવસ બંધ

વાપી તા. ૧ર :.. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વાયુ વાવાઝોડું ગુજરાતને ધમરોળવા આગળ ધપતા વહીવટી તંત્રની કસોટી જણાઇ રહી છે.

વાયુ વાવાઝોડાના આગમન પહેલાં જ સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહિત દ. ગુજરાતમાં ઠેરઠેર તોફાની વરસાદનો પરચો જોવા મળ્યો છે. જેમાં વિજળી પડવાના તથા વૃક્ષો, પડવાના અલગ અલગ બનાવોમાં પાંચ વ્યકિતઓનાં કરૂણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ચોમાસાની સિઝનના પ્રારંભ પહેલાં જ તુટી પડેલા આ તોફાની વરસાદમાં સુરત જીલ્લાનાં વ્યારાના ખુશાલપુરામાં ખેતરમાં ભાત કાપી રહેલા ૬પ વર્ષીય આધેડ મહિલા નુરીબેન ગામીત પર વીજળી પડતા મોત નિપજયું છે.

આ ઉપરાંત ડેડીયાપાડા તાલુકાના પાંચ ઉમર ગામે વિજળી પડતા પ૦ વર્ષીય મુંગાબેન વસાવાનું મોત નિપજયું છે. તો ડેડીયાપાડાના નવા ગામમાં રહેતા રાઘવ નામના ૧૧ વર્ષીય બાળક પર વિજળી પડતા તેનું પણ કરૂણ મોત નિપજયું છે.

આ ઉપરાંત ડાંગ પંથકના આહવા તાલુકાના જામલીયા ગામે મગનભાઇ ખેતરમાં કામ કરી રહયા હતાં. આ દરમ્યાન અચાનક વિજળી પડતા ઘટના સ્થળે તેમનું કરૂણ મોત થયું છે. તેમજ ડેડીયાપાડા પંથકમાં વિજળી પડતા એક દંપતિ ગંભીર રીતે દાઝી જવા પામ્યું છે.

જયારે વૃક્ષ પડવાના બનાવોમાં અનાવલ મહુવા સ્ટેટ હાઇવે પર મોટર સાયકલ લઇ પસાર થઇ રહેલા ગુલાબભાઇ પટેલ નામના પ૭ વર્ષીય આઘેડ ઉપર વૃક્ષ પડતા તેમનું કરૂણ મોત નિપજયું છે.

વાયુ વાવાઝોડાની અસર ને પગલે સુરત જીલ્લાના ચોર્યાસી, મજુરા, ઓલપાડના ૩૧ ગામોને અને ગણદેવીના કાંઠા વિસ્તારના ૧૩ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.એટલું જ નહિ ઉમરગામ થી લઇ સુરત સુધીના તમામ બીચો સાવચેતીના ભાગરૂપે ત્રણ દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

સ્થિતીને પહોંચી વળવા સરકારે તમામ કવાયતો હાથ ધરી છે. આ લખાઇ રહ્યું છે. ત્યારે દ.ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

(5:35 pm IST)