Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી – મુંબઈમાં પ્રારંભ

 વૈશ્વિક મહામારી કોરોના વાયરસની બીજી લહર સમગ્ર દેશમાં ખૂબજ ઘાતક બની રહી છે. ત્યારે હવે સરકાર મોટા પ્રમાણમાં લોકો કોરોના વેક્સિન લે તેના માટેના પ્રયાસો કરી રહી છે. કોરોનાને રોકવા માટે હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી, તેથી રસીકરણ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આવી રહી છે. જેથી કોરોનાથી થતા ભયને ટાળી શકાય. તે માટે મહારાષ્ટ્રના પાટનગર બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા, શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, (મહાલક્ષ્મી) મુંબઈ-26 માં રસીકરણ અભિયાન તા. 11-5-2021 ના મહંત સ્વામી શ્રી દિવ્યદર્શનદાસજી, શ્રી મંગલ પ્રભાત લોઢા (ભાજપ મુંબઈ અધ્યક્ષ, આમદાર), પ્રશાંત ગાયકવાડ (સહાયક આયુક્ત, બૃહન્મુંબઈ મહાનગરપાલીકા, ડી-વિભાગ) ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.

 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી - મુંબઈના મહંત શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી તથા અન્ય  પૂજનીય સંતોએ કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે આજે વેક્સિન લીધી હતી. આ સાથે જ તેમણે પાત્ર લોકોને વેક્સિનનો ડોઝ લેવા વિનંતી કરી હતી અને વેક્સિનેશનને વાયરસને હરાવવાના કેટલાક ઉપાયો પૈકીનું એક ગણાવ્યું હતું.

મહંત શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અમે કોરોના વેક્સિનનો આજે  ડોઝ લીધો છે. આ માનવતાવાદી અને પ્રશંસનીય કાર્ય છે કે કેવી રીતે આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના સામે વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. મહંત સ્વામીએ તમામ જનતાને વેક્સિન લેવા માટે અપીલ  કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરવામાં આવેલી વેક્સિનેશનની પહેલ ખૂબ જ આવકારદાયક છે. અમે અત્યારે વેક્સિન લીધી છે અને અમને તેની કોઈ જ આડઅસર થઈ નથી. આથી લોકો પણ કોઈ જ પ્રકારનો ડર રાખ્યા વગર વેક્સિન લેવા આગળ આવે તે જરૂરી છે. આપણે સૌ સરકારને સાથ સહકાર આપીએ અને વધુમાં વધુ વેક્સિનેશન કરાવી દેશને કોરોના મુક્ત કરવામાં પોતાનું યોગદાન આપીએ. આવો સાથે મળી આપણે ભારત રાષ્ટ્રને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ. હાલમાં આ સુવિધાનો લાભ મોટી સંખ્યામાં જનસમુદાય લઇ રહ્યો છે.

(9:19 pm IST)