Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજ્યના ૩૪૮ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ : આરોગ્ય રાજ્યમંત્રી કિશોરકુમાર કાનાણી

સંવેદન સરકારે ૧૭૫ નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને દર્દીઓની સેવામાં મૂકી દીધી

અમદાવાદ :રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અનેક સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૩૪૮ સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય રાજ્યમંત્રી  કિશોરકુમાર કાનાણી એ જણાવ્યું છે. 
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર આપવા માટે કટિબદ્ધ છે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સામે જીત મેળવવા તથા કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દરરોજ કોર ગ્રુપ કમિટીની બેઠક મળે છે જેમાં આરોગ્યહિતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ સુધીમાં એટલે કે કોરોનાની પ્રથમ લહેરમાં ૧પ૦ મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી જે આજે બીજી લહેરમાં ૧૧,૫૦મેટ્રીક ટન સુધી પહોંચી છે. રાજ્ય સરકારે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સમયસર ઓક્સિજન પહોંચાડવા સંપૂર્ણ પ્રયત્નો કર્યા છે અને સરકાર તેમાં સફળ પણ થઇ છે. હજુ કોરોનાની ત્રીજી લહેર આવશે તેવું નિષ્ણાંતોનું માનવુ છે ત્યારે રાજ્ય સરકારે તે પરિસ્થિતીને પણ પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મંત્રી કાનાણીએ વધુમાં ઉમેર્યું કે, દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલેન્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે સંવેદન સરકારે વધુ ૧૭૫ નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને દર્દીઓની સેવામાં મૂકી દીધી છે. એટલું જ નહી માત્ર એક મહિનામાં ૭ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન પણ પૂરા પાડી રાજ્ય સરકારે આ મહામારીમાં કોઇ દર્દીને અસુવિધાનો સામનો ન કરવો પડે તે મુજબનું આયોજન કરી અનેકવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી છે.

(9:27 pm IST)