Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ગાંધીનગર જિલ્લામાં અડાલજ પોલીસે જમિયતપુરા કટ નજીક આવતી રિક્ષાને ઝડપી બે શખ્સોને 49 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં આંશિક લોકડાઉનની સ્થિતિમાં પણ દેશી વિદેશી દારૃની હેરાફેરી ચાલી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમે જમીયતપુરા કટ પાસેથી કલોલ તરફથી આવતી એક રીક્ષાને ઝડપી પાડી હતી અને તેમાં સવાર કલોલના બે શખ્સોને પકડી રીક્ષામાંથી વિદેશી દારૃની ૪૯ બોટલ કબ્જે કરી હતી. આ વિદેશી દારૃનો જથ્થો કડીના સુરજ ગામના શખ્સો આપ્યો હોવાથી તેની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.   

રાજયમાં દારૃબંધી હોવાછતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે રાજયમાં આંશિક લોકડાઉનની સ્થિતિ હોવા છતાં બુટલેગરો દારૃની હેરાફેરી કરી રહયા છે. ગાંધીનગર જિલ્લામાં પણ આ પ્રકારની દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે કલોલ તરફથી આવતી રીક્ષા નં.જીજે-ર૭-ડબલ્યુ-૪૨૨૭માં વિદેશી દારૃનો જથ્થો ભર્યો છે અને અડાલજ તરફ જઈ રહી છે જે બાતમીના પગલે જમીયતપુરા કટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા આવતા તેને ઉભી રાખી હતી. જેના ચાલકનું નામ પુછતાં ભાવેશ ઉર્ફે રાજા ધરમદાસ કેશવાણી રહે.એ-૪૬, શ્રીનગર સોસાયટી કલોલ અને રીક્ષામાં પાછળ બેઠેલા શખ્સ વિનોદ ગોપાલભાઈ પટણી રહે.કલોલ પુર્વ હોવાનું બહાર આવ્યું હતું. રીક્ષામાં તપાસ કરતાં વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની ૪૯ બોટલ મળી આવી હતી.  જેથી પોલીસે દારૃ અને રીક્ષા મળી ૭૧૩૮૩નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૃ કડીના સુરજ ગામના શક્તિસિંહે ભરી આપ્યો હોવાનું બહાર આવતાં તેની સામે પણ ગુનો નોંધી તપાસ શરૃ કરવામાં આવી છે.

(6:11 pm IST)