Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વડોદરામાં કોરોના સંક્રમિત પરિવારના બંધ મકાનોને નિશાન બનાવી ગઠિયાઓએ લાખોની તસ્કરી કરતા ગુનો દાખલ

વડોદરા: શહેર માં ચોરીઓ કરતી ગેંગ ના ટાર્ગેટમાં હવે કોરોના સંક્રમિત પરિવારના બંધ મકાનો પણ આવી રહ્યા છે. લક્ષ્મીપુરા ગોરવા વિસ્તારમાં કોરોના સંક્રમિત ના બે મકાનોને ટાર્ગેટ કર્યા બાદ વધુ એક ચોરીનો બનાવ બન્યો છે.

સામાન્ય રીતે અત્યાર સુધી બહારગામ જતા લોકો પર વોચ રાખી ચોરો મકાનોને ટાર્ગેટ કરતા હતા. પરંતુ હવે કોરોના ના દર્દીઓના મકાનોને પણ ચોરો નિશાન બનાવી રહ્યા છે. લક્ષ્મીપુરા માં અનમોલ પાર્કમાં રહેતા મીનાક્ષીબેન પટેલે પોલીસને કહ્યું છે કે હું અને મારા પતિ કોરોના સંક્રમિત હોવાથી ગોરવાની હોસ્પિટલમાં દાખલ થયા હતા.

આ દરમિયાન તા 27 એપ્રિલે પડોશીનો ફોન આવ્યો હતો અને અમારા નીચેના મકાનમાં ચોરી થઈ છે તેમ જાણ કરતાં મેં તેઓને ઉપરના મારા મકાનમાં પણ તપાસ કરવાનું કહ્યું હતું. તેમણે તપાસ કરતા અમારા મકાનમાં પણ ચોરો સામાન વેરવિખેર કરી ગયા હતા.

(6:08 pm IST)