Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદમાં પોલીસ અકાદમીના સંક્રમિત થઇને સાજા થયેલા ૨૮માંથી ૧૫ જવાનોઍ પ્લાઝમા ડોનેટ કરીને સામાજીક દાયિત્વ નિભાવ્યુ

અમદાવાદઃકોરોનાએ તાજેતરમાં કાળો કેર વર્તાવ્યો હતો. તેમાં અનેક લોકોને પોતાના સપાટામાં લીધા હતા. કરાઈ પોલીસ અકાદમીના સંક્રમિત થઈને સાજા થયેલા 28 જવાનોમાંથી 15 જવાનોએ પ્લાઝમા ડોનેટ કરીને સામાજિક દાયિત્વ નિભાવ્યું છે.

‘કરાઈ પોલીસ તાલીમ અકાદમી’માં દેશસેવા અને સમાજ સેવા પહેલા કાયદો વ્યવસ્થાની જાળવણી માટેની પોલીસ જવાનોને ખાસ તાલીમ આપવામાં આવે છે. આવી તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ પૈકીના કોરોનાથી સક્રમિત થઈને સાજા થયા હોય તેવા 28 તાલીમાર્થીઓ પ્લાઝ્મા ડોનેટ કરવા માગે છે તેવી ઈચ્છા કરાઈ પોલીસ તાલીમ અકાદમીના એસ.પી. હરેશ દુધાતે તેમના ટ્વિટર હૅન્ડલ પર તાજેતરમાં વ્યક્ત કરી હતી.

કરાઇના એસપી દુધાતે જવાનોની ઇચ્છા અંગે હોસ્પિલને ટ્વીટ કરી હતી

એસપી દુધાતે તેની સાથે જવાનોના નામ, બ્લડ ગ્રૂપ, મોબાઇલ નંબર જેવી વિગતો આપી સંપર્ક કરવાની તૈયારી દર્શાવી હતી. થોડા સમયમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરાઈ પોલીસ તાલીમ અકાદમીના એસ.પી. હરેશ દુધાતના ટ્વિટને રિપ્લાય આપવામાં આવ્યો જેમાં તેમને પ્લાઝ્મા ડોનેશન માટેના ધારાધોરણોની વિગત આપવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલની ‘બ્લડ બૅન્કની વૅન’ ત્યારબાદ એન્ટિ-બોડી ટાઇટર કરવા કરાઈ તાલીમ અકાદમી ગઈ હતી. ત્યાં જઇ કુલ 28 તાલીમાર્થીના એન્ટિ-બોડીઝ ટાઇટલ લેવાયા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ આવીને મશીનમાં તેને ચકાસવામાં આવ્યા જેમાંથી 15 તાલીમાર્થીના ટાઇટલ પોઝિટિવ આવ્યાં હતાં.

મંગળવારે સિવિલ હોસ્પિટલની બ્લડ બૅન્કમાં આ 15 તાલીમાર્થીઓએ પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

કરાઇ પોલીસ તાલીમ એકેડમીના ડાયરેક્ટર જનરલ વિકાસ સહાય અને કરાઇ પોલીસ અકાદમીના પ્રિન્સીપાલ એન.એન. ચૌધરી ના સતત માર્ગદર્શન હેઠળ પ્લાઝમાં ડોનેશનની સંપૂર્ણ પ્રવૃતિ હાથ ધરાઇ છે.

સિવિલ સુપ્રિટન્ડન્ટ ડૉ.જે.વી.મોદીએ કરાઇ પોલીસ તાલીમ એકાદમીના ભાવિ પોલીસ જવાનોનું પ્લાઝમાં ડોનેશન કરવા બદલ અને કોરોના સામેની લડતમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરી તેમના સેવાભાવને બિરદાવ્યા હતા.

પ્લાઝમા થેરાપી કઇ રીતે કાર્ય કરે છે ?

વ્યક્તિને એક વખત કોરોના થઇ ગયો હોય અને બાદમાં સ્વસ્થ થઇ જાય ત્યારે તેમના શરીરમાં એન્ટીબોડી નિર્માણ પામે છે. આ એન્ટીબોડીઝ તેને ઠીક કરવામાં મદદરૂપ બને છે. આવી વ્યક્તિ જો રક્તદાન કરે ત્યારે તેના લોહીમાંથી પ્લાઝમાં કાઢવામાં આવે છે.

આ પ્લાઝમામાં આવેલા એન્ટીબોડીઝ જ્યારે અન્ય કોઇ કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં નાંખવામાં આવે ત્યારે આ બીમાર દર્દીના શરીરમાં એન્ટીબોડીઝ પ્રવેશે છે જે મહદઅંશે કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના સામે લડત આપવામાં સ્વસ્થ કરવામાં અસરકારક નિવડે છે.

એક વ્યક્તિના શરીરમાંથી કાઢેલા પ્લાઝમાંની મદદથી બે લોકોની સારવાર સંભવ છે. કોરોના સંક્રમિત થયા બાદ નેગેટીવ થયાના બે સપ્તાહ બાદ પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે.

તાજેતરમાં જ કરાઈ પોલીસ તાલીમ અકાદમીએ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ સોશિયલ મીડિયાનો આવો જ સુંદર ઉપયોગ કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્લાઝ્મા ડોનેશનનો રસ્તો જોતજોતામાં ઘણો જ સરળ બનાવી દીધો હતો.

(5:18 pm IST)
  • મંગળવારે બપોરે પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં તોફાન અને ભારે વરસાદને કારણે આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વીજળી પડવાથી અને કલાકે 50 કિલોમીટરની ઝડપે થયેલ ધૂળના તોફાનને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા, નાદિયા, મુર્શીદાબાદ, બાંકુરા, પૂર્વી બર્ધમાન, પશ્ચિમ મેદનીપુર, બીરભૂમ અને પુરૂલિયા જિલ્લામાં ભારે નુકસાન થયું છે. access_time 11:57 pm IST

  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • બુધવારે દિલ્હી સહિત દેશના કોઈ ભાગમાં ઇદનો ચાંદ જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શુક્રવારે ઉજવવામાં આવશે અને 30 મુ અંતિમ રોજુ, ગુરુવારે થશે. ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે કહ્યું હતું કે ઈદનો ચાંદ દિલ્હી સહિત દેશના કોઈ પણ ભાગમાં જોવા મળ્યો નથી, તેથી ઇદનો તહેવાર 14 મે, શુક્રવારે ઉજવાશે. access_time 9:54 pm IST