Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સુરતમાં કોરોના વાયરસ ડબલ મ્યુડેટ હોવાનો રિપોર્ટઃ પુણેની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી ખાતેથી આવેલા રિપોર્ટમાં ચિંતા

સુરત: સુરતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોના વાયરસના બે નવા મ્યુટેશન મળ્યા છે. કોરોનાના બીજા તબક્કામાં ઈન્ડિયન ડબલ મ્યુટેડ વેરિયન્ટ જોવા મળ્યો છે. આ માહિતી બાદ સુરતનું તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાના નવા સ્ટ્રેઇન શોધવા સેલની રચના કરવામાં આવી છે. મનપા કમિશનરની અધ્યક્ષતમાં સેલની રચના કરાઈ છે. સિવિલ અને સ્મીમેરના માઈક્રોબાયોલોજીસ્ટ સેલના સભ્ય VNSGU અને એક ખાનગી માઇક્રોબાયોલોજીસ્ટને પણ સેલમાં પણ સામેલ કરાયા છે.

પૂણે મોકલાયેલા સેમ્પલમાં ખુલાસો

સુરતમાં નવો સ્ટ્રેઈન મળતા જ અનેક શક્યતાઓ સામે આવી છે. સુરતમાં એકાએક વધેલા કેસ અને કોરોનાથી મોત આ મ્યુટેશનને કારણે થયા હોય તેવી શક્યતા છે. છેલ્લા બે મહિનામાં કોરોના દર્દીઓનાં 75 સેમ્પલ વાયરસનાં સ્ટ્રેઇનની તપાસ માટે પૂણેની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલ્યા હતા. જેમાંથી દસ સેમ્પલનાં રિપોર્ટમાં વાયરસ ડબલ મ્યૂટેડ હોવાનો રિપોર્ટ આવ્યો છે.

ડબલ મ્યુટેડ વેરિયન્ટથી પાલિકા દોડતી થઈ

કોરોનાના નવા સ્ટ્રેઇન શોધવા સેલની રચના કરવામાં આવી છે. જેમાં નવો સ્ટ્રેઈન શોધવા ખાસ સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. જે મુજબ, આ સેલ કોરોનાના ત્રણ અલગ અલગ કેસ પર ધ્યાન આપશે. જેમાં વેક્સીનેશન થયા પછી દર્દી ગંભીર થયો હોય, એકવાર કોરોના થયા પછી ફરીથી કોરોના થયો હોય અને ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યો હોય તેમજ ટ્રાવેલીંગ બાદ સંક્રમિત થાય અને હાલત ગંભીર થઇ હોય તેવા કિસ્સામાં દર્દીઓના સેમ્પલ મેળવી સ્ટ્રેઇન શોધવા લેબમાં મોકલાશે.

(4:33 pm IST)