Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં વિરમગામ માંડલ દેત્રોજ તાલુકામાં સેમ્પલ લેવામાં આવ્યા

દરેક સેમ્પલ લીધા પહેલા અને પછી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન સેનીટાઇઝ કરવામાં આવે છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ દ્વારા અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા માટે કોવિડ-૧૯ મોબાઇલ ટેસ્ટીંગ વાનની ફાળવણી કરવામાં આવી છે. કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં વિરમગામ માંડલ દેત્રોજ તાલુકામાં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના ડુમાણા ગામમાં વાનમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર, વિરમગામ માંડલ દેત્રોજ તાલુકા હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ કોવિડ-૧૯  મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. દરેક સેમ્પલ લીધા પહેલા અને પછી વાન સેનીટાઇઝ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ફાસ્ટ  ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી  સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર પુરવાર થશે. કોવિડ-૧૯ અમદાવાદ જિલ્લામાં ફેલાય નહી તે માટે જિલ્લા તંત્ર દ્વારા પણ વિશેષ તકેદારી રાખીને  સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત રક્ષાત્મક પગલા લેવાય છે.  તેના ભાગ રૂપે આ ટેસ્ટીંગ વાનનો પ્રારંભ કરાયો છે. આરોગ્ય કર્મીઓની સલામતીને ધ્યાને લઈને આ કર્મીઓ સલામત અંતર રાખીને કોઈ પણ દર્દીનું સેમ્પલ લઈ શકશે તેવી સુવિધા છે. તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ.

(4:25 pm IST)