Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ઓકસીજન સાથેની લાંબી ટ્રેન ચલાવવા મળતા દેશ સેવાનું ગૌરવ અનુભવતા લોકો પાયલોટ સર્વેશ શર્મા અને અરૂણકુમાર પાંડે

રાજકોટ : દેશભરના વિવિધ રાજયોમાં ઓકિસજન એકસપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્યિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ઘ સંયુકત યુદ્ઘ ને મજબૂત બનાવવા અને કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત આપવા માટે લિકિવડ મેડિકલ ઓકિસજનના પરિવહન માટે સતત એકસપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

પશ્યિમ રેલ્વેના ગુજરાતના હાપા અને મુંદ્રા પોર્ટથી ઓકિસજન એકસપ્રેસ ટ્રેન ચલાવતા લોકો પાઇલટે પોતાના અનુભવો શેર કર્યા હતા.

અમદાવાદ ડિવિઝનના ગાંધીધામમાં પોસ્ટેડ લોકો પાયલટ શ્રી સર્વેશ શર્મા જણાવે છે કે મારા ૨૧ વર્ષના સેવાકાળની યાદગાર યાત્રા રહી જયારે મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેકસ થી પાટલી (હરિયાણા) ઓકિસજન એકસપ્રેસ ચલાવવા માટે મને ડયુટી કોલ મળ્યો.

તેમણે કહ્યું કે  ૮૪ ટન લિકિવડ ઓકિસજન સિલિન્ડરના ૦૬ કન્ટેનર સહિતની આખી ટ્રેન સાથે પાલનપુરની યાત્રામાં કોઈ અડચણ ન હતી આવી. અમે આ ટ્રેનને રાજધાની ટ્રેનની ગતિએ દોડાવી હતી. અમને દરેક સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળ્યું અને અમે ૩૭૨ કિ.મી.નું આ અંતર ૦૬૪૫ કલાકમાં પાર કર્યું. જે ડબલ સ્ટેક કન્ટેનર રેકસ માટે મહત્તમ હતું અને મે પણ સૌથી લાંબી ટ્રેન ચલાવવાનો આનંદ લીધો.

રાજકોટ ડિવિઝનના લોકો પાયલટ શ્રી અરૂણકુમાર પાંડેએ જણાવ્યું હતું કે ૪ મે, ૨૦૨૧ ના   રોજ તેમણે હાપાથી સુરેન્દ્રનગર ની વચ્ચે ઓકિસજન એકસપ્રેસ ટ્રેન ચલાવી હતી. આ સમય દરમિયાન તેમને આ સેકશનમાં દરેક જગ્યાએ ગ્રીન સિગ્નલ મળ્યા. જેથી સલામતીનાં પગલાંની ખાતરી કરતા લગભગ ૫૩-૫૬ કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ટ્રેન ચલાવી શકે.

તેમણે કહ્યુ હાલના સંજોગોમાં કોવિડ -૧૯ ને કારણે દેશના વિવિધ રાજયોમાં ઓકિસજનનો અભાવ છે, ત્યારે હું એવા સમયે ઓકિસજન પહોંચાડવા માટે ભારતીય રેલ્વેના આ મિશનનો ભાગ બનીને ખૂબ જ ગૌરવ અનુભવું છું'.

ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજયોને મિશન મોડમાં લિકિવડ મેડિકલ ઓકિસજન પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે. આ જ ક્રમમાં પશ્યિમ રેલવે દ્વારા અત્યાર સુધીમાં હાપા અને મુંદ્રા પોર્ટથી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી માટે ઓકિસજન ટેન્કરો દ્વારા કુલ ૧૮ ટ્રેનો માં લગભગ ૧૭૭૧.૦૭ ટન લિકિવડ મેડિકલ ઓકિસજન પહોંચાડવામાં આવ્યો હોવાનું રેલ્વે અમદાવાદ પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માની યાદીમાં જણાવાયુ છે.

(3:51 pm IST)