Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદની જેમ રાજકોટમાં પણ 'ડ્રાઈવ થ્રુ વેકસીનેશન' અભિયાન હાથ ધરવાની જરૂર

અમદાવાદમાં વ્યાપક પ્રતિસાદ મળતા વિવિધ વિસ્તારોમાં વિસ્તારાયું: સિનીયર સીટીઝન તથા દિવ્યાંગોને જબરી રાહત મળે છે

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાત સહિત રાજ્યભરમાં હાલ વેકસીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કોરોનાથી બચવા માટે વેકસીનેશન જ એક ઉપાય હોવાનું લોકોને ગળે ઉતર્યા બાદ મોટા પ્રમાણમાં લોકો વેકસીનેશન માટે બહાર આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ થ્રુ વેકસીનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે જેને ભારે સફળતા મળી છે અને સફળતા મળતા આ અભિયાનને શહેરના વધુ વિસ્તારોમાં વિસ્તારવામાં આવી રહ્યુ છે ત્યારે આવુ અભિયાન રાજકોટમાં પણ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

અમદાવાદમાં પોતાના વાહન, રીક્ષા કે કારમાં આવીને બેઠા બેઠા જ કોવિડની રસી મેળવી શકાય છે. આ સેન્ટરો ખાતે જબરી લાઈનો પણ જોવા મળે છે અને લોકો મોટા પ્રમાણમાં તેનો લાભ પણ લઈ રહ્યા છે. આવુ અભિયાન રાજકોટમાં શરૂ થાય તો વેકસીનેશન સેન્ટર પરનો ભાર હળવો થાય એટલુ જ નહિ સિનીયર અને સિટીઝન અને દિવ્યાંગોને પણ ભારે રાહત મળે તેમ છે.

રાજકોટના શાસ્ત્રીમેદાન, રેસકોર્ષ, ચૌધરી હાઈસ્કૂલ વગેરે મેદાનો હાલ ખાલી છે ત્યાં આ પ્રકારે વ્યવસ્થા કરી શકાય તેમ છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન પાસેથી પ્રેરણા લઈ આ પ્રકારનું અભિયાન રાજકોટમાં પણ શરૂ કરવા માંગણી ઉઠી છે.

(3:13 pm IST)