Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રા પૂર્વે ચંદનયાત્રામાં કોરોનાનું ગ્રહણ : ભક્તો વિના જ મનાવવાની થશે

ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી

અમદાવાદ : અષાઢી બીજના રોજ નિકળતી રથયાત્રા રથયાત્રાને હજી વાર છે, જો કોરોના સંક્રમણ ઘટશે તો આ વર્ષે યાત્રા યોજાશે પરંતુ તે પહેલાં 14મીએ યોજનારી ચંદનયાત્રા ભક્તો વિના મનાવવાની રહેશે

અષાઢી બીજના રોજ નિકળતી રથયાત્રાના અગાઉના કાર્યક્રમો પર કોરોના સંક્રમણનું ગ્રહણ નડી રહ્યું છે. આ ગ્રહણ સતત બીજાવર્ષે આવી રહ્યું છે. કોરોના સંક્રમણના કેસો વધતાં રથયાત્રા યોજવા પર અત્યારે તો અનિશ્ચિતતા જોવા મળી રહી છે ત્યારે ગૃહ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે. રથયાત્રાને હજી વાર છે પરંતુ તે પહેલાના કાર્યક્રમો પર નિયંત્રણો આવી શકે છે.

14મી મે ના રોજ અખાત્રીજ આવે છે અને તે દિવસે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા નિર્ધિરિત કરવામાં આવે છે જેને રથયાત્રાની તૈયારી કહી શકાય છે. ગૃહ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ વખતે મે મહિનામાં કોરોના કેસોની સંખ્યા વધી છે અને અમદાવાદમાં સૌથી વધુ પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી ચંદનયાત્રા યોજવા પર નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. જો કે આ અંગે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મંદિરના સૂત્રોએ કહ્યું હતું કે ચંદનયાત્રામાં ભગવાનના રથોનું પૂજન કરવામાં આવે છે. રથની મરામત હાથ ધરવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના સંક્રમણના કેસો વધુ હોવાથી ચંદનયાત્રા સાદાઇથી યોજવામાં આવી હતી. આ વખતે પણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સહિત ચાર થી પાંચ લોકોની હાજરીમાં રથનું પૂજન કરવામાં આવશે. આ વિધિમાં ભક્તો જોડાઇ શકશે નહીં

(11:42 am IST)