Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

હવે વેપારીઓને આંશિક છૂટછાટ સાથે ધંધો શરૂ કરવા દેવો અનિવાર્ય

કાપડ ઉદ્યોગને પણ મોટું નુકસાન થઇ રહ્યું છે, ચોક્કસ સમય માટે બજારો ખુલ્લી રાખવા સરકાર મંજૂરી આપે

અમદાવાદ તા. ૧૨ : કાપડ બજારે શનિ-રવિ બંધ પાળ્યો હતો. મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે સરકારના આદેશને પગલે કાપડના તમામ વેપારીઓ ૧૨મી મે સુધી બંધ રાખવા તૈયાર થયા હતા અને શહેરની ૫૦ હજારથી વધુ કાપડની દુકાનો આ સમય દરમ્યાન બંધ રહી. જો બંધની અવધી વધે તો કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે તેમ છે સાથે સાથે ઇન્ડ્ટ્રી સાથે સંકળાયેલા શ્રમજીવીઓ પણ બંધને કારણે ધીરે ધીરે વતન તરફ જઈ રહ્યા છે જે ખૂબ જ મોટી તકલીફ ઊભી કરે તેમ છે માટે સરકાર દ્વારા કોરોનાની તમામ ગાઇડલાઇનના અમલ સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રર્ડ્સ દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે બંધને કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. માટે હવે આંશિક છૂટછાટ સાથે ટ્રેડર્સ અને પોતાના વેપાર- ધંધા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તે અતિ આવશ્યક છે. અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફેડરેશન દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની પરિસ્થિતિ વકરતા વેપારીઓએ સરકારના આદેશ મુજબ પોતાના વેપાર- ધંધા બંધ રાખ્યા. હવે ધીરે ધીરે કોરોના જરૂરિયાત વસ્તુની સાથે અન્ય દુકાનો પણ નિયત સમય માટે ખોલવાની મંજૂરી આપવી જરૂરી છે. બેન્કિંગ અવર્સ દરમિયાન એટલે કે સવારે ૧૦થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવે તો વેપાર ધંધા ફરીથી શરૂ થાય. સાથે સાથે વેપારીઓએ દુકાનોમાં સ્ટોક કરી માલ પણ ખરાબ પણ થઈ જાય નહીં. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી હોય તેને અનુરૂપ જે માલ સ્ટોક કરવામાં આવ્યો છે તેનું પણ વેચાણ થાય તો વેપારીઓને ફાયદો થઇ શકે. આ ઉપરાંત અન્ય રાજયોમાં લોકડાઉન અમલમાં આવ્યું હોવા છતાં ફૂડ પાર્સલ રાત્રે ૧૨ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે તેવી છૂટ ગુજરાતમાં પણ આપવામાં આવે તો ખાણીપીણીના ઉદ્યોગને થતું નુકસાન અટકાવી શકાય.

(11:41 am IST)