Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સતત બીજા વર્ષે આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ : ૫૦૦ કરોડનું નુકસાન

ગત વરસે બજારો બંધ રહ્યા, ચાલુ વર્ષે પણ ઉનાળામાં બજારો બંધ રાખવા આદેશ : આઇસ્ક્રીમનો ધંધો સૌથી વધારે માર્ચથી જૂન મહિના સુધી થાય પરંતુ ત્યારે જ બજારો બંધ

અમદાવાદ તા. ૧૨ : અમદાવાદમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી પહોંચી ગયો છે તેમ છતાં અમદાવાદીઓ સાંજે પરિવાર કે મિત્રો સાથે બેસીને આઈસ્ક્રીમ ખાઈ શકતા નથી. કોરોનાને કારણે ગુજરાતના તમામ મોટા શહેરોમાં ૧૨મી મે સુધી તમામ બજારો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝને સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાથી લગભગ ૫૦૦ કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. આઈસ્ક્રીમની સીઝન માર્ચ મહિનાથી જૂન મહિના સુધી હોય છે તેમાં જ મોટા ભાગનો સમય બજારો બંધ છે. સૌથી વધારે ગરમી પડી રહી છે ત્યારે જ આઇસ્ક્રીમનો ધંધો થઈ શકતો નથી. બીજી તરફ લગ્ન સમારંભ અને અન્ય તમામ પ્રકારના મેળાવડા અને પ્રસંગો બંધ હોવાને કારણે પણ આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડી રહ્યો છે.

આસ્ક્રીમ ઈન્ડસ્ટ્રી સાથે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી સંકળાયેલા રાજેશ શાહે જણાવ્યું હતું કે આખા દેશમાં વર્ષે ૨૦ હજાર કરોડથી વધુનો આઇસ્ક્રીમનો ધંધો થતો હોય છે. જેમાં માત્ર ગુજરાતમાં જ ૧૫૦૦ કરોડથી વધારેનો આઈસ્ક્રીમ વેચાય છે. આમ તો ગુજરાતમાં અને દેશભરમાં આઈસ્ક્રીમ લગભગ બારેમાસ વેચાતો હોય છે પરતુ તેની ખરી સીઝન માર્ચ મહિનાથી લઈને જૂન માહિના સુધી હોય છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં ગરમી પડતી હોવાથી લોકો ઘરમાં આઇસ્ક્રીમ રાખતા હોય છે અને લગભગ દરરોજ ખાતા હોય છે. સાંજે કે રાત્રે ભોજન કર્યા બાદ લોકો પરિવાર કે મિત્રો સાથે અથવા પોતાના ગ્રૂપ સાથે પણ આઇસ્ક્રીમ ખાવા માટે ખાસ બહાર નીકળતા હોય છે.

આ ઉપરાંત ઉનાળામાં આવતા લગ્નસરામાં પણ મેનુમાં આઇસ્ક્રીમ ચોક્કસ હોય છે તથા જુદા જુદા ફંકશનમાં પણ આઇસ્ક્રીમનું ધૂમ વેચાણ થતું ડોય છે. આખા વર્ષમાં જે આઇસ્ક્રીમનો ધંધો થતો હોય છે તેનો લગભગ ૬૦ ટકા કરતાં વધારે ધંધો માર્ચથી જૂન મહિના દરમિયાન થતો હોય છે. ગત વર્ષે માર્ચ મહિનાના અંત ભાગમાં કોરોનાની એન્ટ્રી થઈ જતા એપ્રિલ મે અને જૂન મહિનામાં આઇસ્ક્રીમનું વેચાણ થઈ શકયું નહોતું.

(11:39 am IST)