Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ડોઝની તંગીઃ સમગ્ર ગુજરાતમાં ૧૮+ના રસીકરણ માટે જૂન મહિના સુધી જોવી પડશે રાહ

ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે ૧૮થી ૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે : ગુજરાત સરકારે કોવિશિલ્ડ રસીના ૨.૫૦ કરોડ અને કોવેકિસનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. : આ ઓર્ડર મુજબનો સપ્લાય મે મહિનામાં આવે તેવું લાગતું નથી. : મે મહિનાના બાકીના ૧૫ દિવસમાં ૪૫થી વધુની વયના લોકોને બીજો ડોઝ આપવા પર ફોકસ કરવાનું કહેવાયું છે

નવી દિલ્હી, તા.૧૨: ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે ૧૮ થી ૪૪ વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેંદ્ર સરકાર પાસેથી મેળવીને રાજય સરકાર ફ્રીમાં આપી રહી છે પરંતુ સમગ્ર રાજયમાં ૧૮થી ૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડ રસીના ૨.૫૦ કરોડ ડોઝ તેમજ કોવેકિસનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. પરંતુ તે મુજબનો સપ્લાય મે મહિનામાં આવે તેવું સંભવ લાગતું નથી.

એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ સહિતના સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશનના આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં ૧૮થી૪૪ વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે અંતર્ગત મંગળવાર (૧૧ મે) સુધીમાં કુલ ૩,૫૩,૨૯૩ લોકોને રસી આપવામાં આવી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રામણે, સીરમ ઈન્સ્ટીટ્યૂટને ૨.૫૦ કરોડ ડોઝ માટે ઓર્ડર આપનાર ગુજરાત પ્રથમ રાજય છે. પરંતુ હાલ આ કંપની પાસે કેંદ્ર સરકાર ઉપરાંત અન્ય રાજયોના પણ ઓર્ડર ચે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેકિસનના ૫૦ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે અને તેની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે. એટલે હાલ કેંદ્ર સરકાર દ્વારા આઠ રાજયોને અપાતા કવોટામાં ગુજરાતને દર ચાર દિવસે મળતી વેકિસનમાંથી ૧૦ મહાનગરો-જિલ્લામાં રસી અપાઈ રહી છે. આ પ્રક્રિયા મેના અંત સુધી ચાલુ રહેશે. એ દરમિયાન બંને કંપનીઓ પાસેથી જેમ-જેમ સ્ટોક મળતો જશે તેમ તેમ અન્ય જિલ્લાઓમાં રસીકરણની કામગીરી ગોઠવાશે.

દરમિયાન, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે હાલમાં જ દેશના જુદા જુદા રાજયોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન હાલ રાજયો પાસે ઉપલબ્ધ રસીના સ્ટોકની વિગતો લેવાઈ હતી તેમજ બગાડ અટકાવવા પર ખાસ ભાર મૂકાયો હતો. હવે ૧૫ થી ૩૧ મે માટે ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે ચાલી રહેલા રસીકરણ માટે કેટલો સ્ટોક જોઈશે તેનો અંદાજો કેંદ્ર મોકલી આપવાનું જણાવાયું છે. આ જરૂરિયાતના આધારે કેંદ્ર સરકાર દ્વારા ગુજરાતને મોકલી અપાશે. હાલ રાજય પાસે ૮,૩૨,૩૯૮ ડોઝનો સ્ટોક છે. ત્રણ દિવસમાં નવો સ્ટોક આવશે. આ સ્ટોક ચારેક દિવસ ચાલે તેમ છે.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, હવે દરેક રાજયોએ ખાસ કરીને ગુજરાત જેવા રાજયમાં સંક્રમણ વધારે ફેલાયું છે એ સ્થિતિમાં ૪૫ વર્ષથી ઉપરની ટાર્ગેટેડ પોપ્યુલેશનને મહત્ત્।મ રસી અપાય તેના પર ધ્યાન કેંદ્રિત કરવાનું રહેશે. સાથે જ આ વયજૂથના જે લોકોને પહેલો ડોઝ અપાયો છે તેમને બીજા ડોઝ આપવાનો સમય થયો હોવાથી સ્થિતિને ધ્યાનમાં લઈને ૧૫ મેથી ગુજરાતને મળનારી રસીના ૭૦ ટકા ડોઝ ૪૫ વર્ષથી ઉપરના લોકોને બીજો ડોઝ આપવામાં વપરાય તેવું પ્લાનિંગ કરવાનું રહેશે.

મંગળવારે રાજયમાં ૨,૧૮,૫૧૩ લોકોને રસી અપાઈ. જેમાં ૧૮,૪૩૦ ફ્રન્ટલાઈન અને હેલ્થ વર્કર્સ તેમજ ૪૫ થી વધુની ઉંમરના ૧,૩૬,૦૧૯ લોકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી રાજયમાં ૧,૪૧,૬૦,૮૫૨ લોકોને રસી આપવામાં આવી છે. તેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૭.૨૫ લાખ છે. ૪૫ વર્ષથી ઉપરના ૨૫,૦૧,૭૦૧ લોકો છે. જયારે ૯.૭૦ લાખ હેલ્થ અને ફ્રંટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે.

(10:20 am IST)