Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

અમદાવાદથી દિલ્હી જવા માટે પ્રથમ ટ્રેન રવાના: 41 મુસાફરોનું ટેમ્પરેચર વધુ આવતા રોકી દેવાયા

ટ્રેનમાં 100થી નીચેનું તાપમાન હોય તેવા જ દર્દીઓને પ્રવેશ આપવામાં આવ્યો

 

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં શરૂ થયેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની ટ્રેન સેવાની પહેલી ટ્રેન આજે સાંજે 6.30 વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડી હતી. ટ્રેનનાં તમામ મુસાફરો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ઉપરાંત માસ્ક અને તમામ નિયમોનું પાલન કરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઉપરાંત તમામનું થર્મલ ગનથી મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 41 પેસેન્જરનુ તાપમાન 100થી ઉપર આવતા તેમને ટ્રેનમાં ચડવા દેવાયા નહોતા.

 

    ટ્રેનમાં 100થી નીચેનું તાપમાન હોય તેવા દર્દીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 1000 જેટલા પેસેન્જર પ્રથમ ટ્રેનમાં દિલ્હી જવા માટે રવાના થયા હતા. જો કે 41 મુસાફરો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવતા તેમને થોડા સમય માટે બહાર શાંતિથી બેસાડવામાં આવ્યા હતા. 2 વખત ફરી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે તમામનું તાપમાન વધારે હોઇ તેમને ટ્રેનમાં બેસવા દેવાયા નહોતા.

  કેટલાક મુસાફરોનું કહેવું હતું કે તેઓ તડકામાંથી આવ્યા અને ભાગદોડનાં કારણે તેમનું ટેમ્પરેચર વધારે હોઇ શકે થોડા સમયમાં તેઓ નોર્મલ થઇ જશે. જેના અનુસંધાને તમામને વેઇટિંગ રૂમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. જો કે ટ્રેન ઉપડવાના સમય સુધી તેમના ટેમ્પરેચરમાં કોઇ ઘટાડો નહી થતા તેમને ટ્રેનમાં બેસવા દેવાયા નહોતા. ટ્રેન સાડા વાગ્યે દિલ્હી જવા માટે રવાના થઇ ગઇ હતી.

(10:27 pm IST)