Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

દર્દીઓની સારવારમાં નર્સની ભૂમિકા હંમેશા મહત્વની છે

સિવિલ સહિત રાજયભરમાં નર્સિસ ડેની ઉજવણી : નર્સિંગ કાઉન્સીલ વડા દ્વારા નર્સોની કામગીરીની પ્રશંસા સિવિલ હોસ્પિટલમાં નર્સો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

અમદાવાદ,તા. ૧૨ : એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલ સહિત રાજયભરની વિવિધ હોસ્પિટલોમાં આજે ઇન્ટરનેશનલ નર્સિસ ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નર્સિસ ડેને લઇ આજે સિવિલ હોસ્પિટલ, વી.એસ.હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ સહિત રાજયની વિવિધ હોસ્પિટલોમાં નર્સિસ સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં નર્સિસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત ખુરશી, લીંબુ-ચમચા સહિતના વિવિધ કાર્યક્રમો યોજી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નર્સિસ ડે દરમ્યાન આજે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના અધ્યક્ષ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે નર્સોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કોઇપણ દર્દીની સારવારમાં ડોકટરની સાથે સાથે નર્સની ભૂમિકા પણ એટલી જ મહત્વની અને બહુમૂલ્ય છે. કારણ કે, નર્સ દ્વારા દર્દી અને તેમના પરિજનો કે સગાવ્હાલાને ભારે કાળજી અને હુંફ સાથે સારવારની ફરજ નિભાવવામાં આવતી હોય છે. નર્સોનો આ પ્રકારનો માનવીય અભિગમ અને હુંફના લીધે દર્દી ઝડપથી સાજા થતાં હોય છે. નર્સિસની આ માનવતા સમાજજીવનને પણ પ્રેરિત કરે છે.

ગુજરાત નર્સિંગ કાઉન્સીલના અધ્યક્ષ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર અને નર્સિંગ અધિક્ષક ડો.બી.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇટાલીમાં તા.૧૨મી મે, ૧૮૨૦ના રોજ જન્મેલા ફલોરેન્સ નાઇન્ટીંગલ પૈસાપાત્ર અને પ્રતિષ્ઠાભર્યા કુટુંબમાં જન્મ્યા હોવાછતાં તેમણે લોકોની સેવા-સુશ્રુષા કરવાના નિસ્વાર્થ સેવાકાર્ય શરૂ કર્યું હતું. ૧૮૫૦ના અરસામાં ક્રિમીયન વોર વખતે તેમણે ઘાયલ સૈનિકોની છાવણીઓમાં એક માત્ર દિવાના સહારે ઘવાયેલા જવાનોની અદ્ભુત સારવાર કરી વિશ્વભરમાં માનવતાની મહેંક પ્રસરાવી હતી. તેમની આ ઉમદા સેવાને લઇને ફલોરેન્સ નાઇન્ટીંગલને લેડી વીથ લેમ્પનું બિરૂદ પણ મળ્યું હતું. નર્સિંગનું બીજ રોપનાર આ લેડી વીથ લેમ્પના તા.૧૨મી મેના જન્મદિનને લઇ દર વર્ષે તેમની યાદમાં ઇન્ટરનેશનલ નર્સિસ ડેની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ૧૪૦૦ જેટલી નર્સ બહેનો ફરજ બજાવી રહી છે. જેઓ હરહંમેશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને સારવાર લેવા આવતાં તમામ દર્દીઓની સેવામાં રાત-દિવસ ખડેપગે સેવામાં તૈનાત હોય છે. તેમની કામગીરી આમ જોવા જઇએ તો,બહુમૂલ્ય અને નોંધનીય ગણી શકાય. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર અને નર્સિંગ અધિક્ષક ડો.બી.કે.પ્રજાપતિએ ઉમેર્યું હતું કે, નર્સિંગ ક્ષેત્રનું ભવિષ્ય જોતાં આ ક્ષેત્રમાં નર્સ બહેનો માટે કારકિર્દી બનાવવાની ઉજળી તકો રહેલી છે. ખાસ કરીને વિદેશમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન સહિતના દેશોમાં નર્સિસની ભારે ડિમાન્ડ છે કારણ કે, ત્યાંના તબીબી જગતનું માનવું છે કે, ભારતીય નર્સિસ માનવતાવાદી, પ્રેમાળ અને હુંફભર્યા વાતાવરણ વચ્ચે દર્દીની સારવાર કરે છે, જેની સીધી અસર દર્દીના સારવારના પરિણામ પર જોવા મળે છે, તે કારણથી જ ભારતીય નર્સિસ માટે વિદેશમાં ઉજળી તકો રહેલી છે. સિવિલ હોસ્પિટલની માફક જ આજે શહેરની વી.એસ.હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં પણ નર્સિસ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નર્સિસ ડેને લઇ આજે નર્સિંગ સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

(8:48 pm IST)