Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

લગ્નના માંડવામાં બંને પક્ષો બાખડયા : જાન પાછી ફરી

સ્ટાઇલીશ ફોટોશૂટ કરવાને લઇ વાત વણસી : માંડવામાં બંને પક્ષ વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા : જાન પરત ફરતાં કન્યા દ્વારા પોલીસમાં ફરિયાદ

અમદાવાદ,તા. ૧૨ : શહેરના રામોલ વિસ્તારમાં ગઈકાલે યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમ્યાન સ્ટાઈલિશ ફોટોશૂટ કરવા જેવી સામાન્ય બાબતે દુલહન અને વરરાજા  પક્ષ વચ્ચે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લગ્નના સાત ફેરા ફર્યા વગર જ જાન લીલા તોરણે પાછી ફરી હતી. મનદુઃખ થતાં એક તબક્કે વરરાજાએ લગ્નની ના પાડી દીધી હતી અને બંને પક્ષો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. બાદમાં કન્યા તરફથી રામોલ પોલીસ મથકમાં આ સમગ્ર ઘટના અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમરાઇવાડી વિસ્તારમાં આવેલ હબીબ શેઠની ચાલીમાં રહેતી અને ટીવાયબીકોમમાં અભ્યાસ કરતી નીલમ રાજેશભાઇ ચૌહાણે રામોલ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ કરી છે. નીલમની સગાઇ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતા સંજય રામચંદ્ર ચૌહાણ સાથે થઇ હતી. ગઇકાલે નીલમનાં સંજય સાથેનાં લગ્ન રામોલ વિસ્તારમાં આવેલ કુશાભાઉ ઠાકરે હોલમાં રખાયાં હતાં. રાતે નીલમનાં માતાપિતા અને સગાંસંબંધીઓ હોલ પર હાજર હતાં ત્યારે સંજય જાન લઇને આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત કરીને જરૂરી પૂજા કરીને ભોજન સમારંભ શરૂ કર્યો હતો ત્યારે મોડી રાતના સાડા અગિયાર વાગ્યાની આસપાસ હોલના એક રૂમમાં નીલમનું ફોટોશૂટ ચાલતું હતું તે સમયે સંજય પણ રૂમમાં આવીને નીલમ સાથે ફોટા પડાવવા લાગ્યો હતો. સંજયે નીલમ સાથે અલગ અલગ સ્ટાઇલથી ફોટા પડાવવાનું કહ્યું હતું. સ્ટાઇલથી ફોટા પડાવવાની નીલમે સંજયને ના પાડી દેતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મારે તારી સાથે લગ્ન નથી કરવાં તેમ કહીને રૂમની બહાર જતો રહ્યો હતો. સંજય હોલમાં જઇને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો હતો કે મારે લગ્ન નથી કરવાં, હું જાઉ છું. સંજયની બૂમો સાંભળીને નીલમના પિતા અને સગાંસંબંધીઓ સંજયના પિતા રામચંદ્રને સમજાવવા લાગ્યાં હતાં. સંજયનું ઉપરાણું લઇને રામચંદ્ર નીલમના પિતા રાજેશભાઇને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જોતજોતાંમાં મામલો એ હદે બીચક્યો કે સંજય અને તેના પિતા રામચંદ્ર નીલમના કાકા ધુરધરસિંહ પર હુમલો કરીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા તો બીજી તરફ નીલમના સંબંધીઓ પણ વચ્ચે પડતાં સામસામે મારામારી થઇ હતી. મામલો એ હદે બીચક્યો કે બન્ને તરફે આવેલા સંબંધીઓએ એકબીજાને છોડાવ્યા હતા જ્યારે સંજય જાન લઇને પરત જતો રહ્યો હતો.

 આ ઘટના બાદ નીલમ સીધી રામોલ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી અને સંજય અને તેના પિતા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. કન્યાની આ ફરિયાદના આધારે રામોલ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે.

(8:48 pm IST)