Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બિટકોઇન કૌભાંડમાં કિરીટ પાલડિયાને ૪ દિ'ના રિમાન્ડ

વધુ ચાર દિન રિમાન્ડ પર લેવાતા વિગતો ખુલશે : પાલડિયાને શરૂઆતમાં છ દિવસના, પછી બે દિવસના રિમાન્ડ પર સોંપાયો હતો : હવે વધુ ચાર દિવસના રિમાન્ડ

અમદાવાદ,તા. ૧૨ : રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર બિટકોઇન કૌભાંડમાં ધરપકડ કરાયેલા મહત્વના આરોપી કિરીટ પાલડિયાને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે ચુસ્ત બંદોબસ્ત સાથે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસનીશ એજન્સી તરફથી આરોપી પાલડિયાના વધુ છ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી, જેની સુનાવણીના અંતે સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ નીપાબહેન રાવલે આરોપી કિરીટ પાલડિયાને તા.૧૬મી મે સુધી વધુ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો મહત્વનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાલડિયાને આરોપીને શરૂઆતમાં છ દિવસના, પછી બે દિવસના રિમાન્ડ પર સોંપાયો હતો. જો કે, વધુ રિમાન્ડ દરમ્યાન કેટલીક સંવેદનશીલ ચોંકાવનારી હકીકતો સામે આવતાં કોર્ટે આરોપી કિરીટ પાલડિયાને વધુ ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.  સીઆઇડી ક્રાઇમ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે આરોપી કિરીટ પાલડિયાના વધુ છ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી કિરીટ પાલડિયાના બિનાન્સ એકાઉન્ટમાં બનાવેલ વોલેટમાં કુલ ૧૦ લાખ, ૮૫ હજાર યુએસ ડોલર જે આશરે ૧૧૯ જેટલા બિટકોઇન થઇ શકે તેવી હકીકત હોઇ તપાસનીશ એજન્સીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ રિમાન્ડ દરમ્યાન એવી ચોંકાવનારી હકીકત સામે આવી કે, આરોપીએ પોતાનું ખાતુ ફ્રીઝ કરાવી દીધુ હતુ અને તેના કોઇ મળતીયા મારફતે ખોટો મેઇલ કરાવ્યો હતો. જેથી આ બિનાન્સ એકાઉન્ટ ઓપન કરવા આરોપીની હાજરીની જરૂર હોઇ તેના રિમાન્ડ જરૂરી છે. બિટકોઇનમાં કરોડો રૂપિયાના કાળા નાણાંનું રોકાણ થયેલુ છે, તે કોણે અને કેટલા નાણાંનું કરાયું છે તેની વિગતો જાણવાની છે. આરોપી પાસેથી હજુ લાખો-કરોડો રૂ-રૂપિયાના બિટકોઇન રિકવર કરવાના બાકી હોઇ તેની વધુ કસ્ટોડિલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આ કેસના સહઆરોપીઓ સાથે બિટકોઇનના સમગ્ર કાવતરામાં પહેલેથી સામેલ હતો અને તેની વિરૂધ્ધ તેટનીકલ પુરાવા તપાસ દરમ્યાન પ્રાપ્ત થાય છે, તેથી આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સુધી પહોંચવા પાલડિયાની પોલીસ કસ્ટડી જરૂરી છે. આ સમગ્ર ગુનામાં બિટકોઇન ટ્રાન્સફર કરવા માટે ટેકનીકલ પ્રોસીઝર જરૂરી છે. જેમાં આરોપી કિરીટ પાલડિયાના જુદા જુદા એક્ષ્ચેન્જના વોલેટ, આઇડી ઓપન કરી ચેક કરવા તથા ટેકનીકલ સાધનોની મદદથી તેની ચકાસણી કરવા માટે આરોપી પાલડિયાની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ખૂબ જ જરૂરી છે. આ સંજોગોમાં કોર્ટે આરોપી કિરીટ પાલડિયાના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે કિરીટ પાલડિયાના ૧૬મી મે સુધીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.      

(8:47 pm IST)