Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બનાસકાંઠાના જૈનમ શાહ હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદઃ ૪ને ૭ વર્ષની સજા

બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરામાં ચાર વર્ષ અગાઉ અગ્રણી ત્રિલોકચંદ શાહના પુત્ર જૈનમ શાહનું અપહરણ કરી ખંડણી માંગવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આજે ડીસા કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કુલ 6 આરોપીઓને સજા ફટકારવામાં આવી છે, જેમાંથી બે આરોપીઓને આજીવન કેદ અને ચાર આરોપીઓને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. મૃતક જૈનમ શાહના દાદા થરાના પૂર્વ ધારાસભ્ય છે. ડીસા કોર્ટે માધા રબારી , મસરૂ પ્રજાપતિ, મફાજી ઠાકોર, વિનુભા વાઘેલા, અશોકજી ઠાકોર, જેન્તીજી ઠાકોર ને સજા ફટકારી છે.

બનાસકાંઠાના થરાના અગ્રણી ત્રિલોકચંદ શાહના પૌત્ર 13 વર્ષીય જૈનમ શાહનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારબાદ પકડાઈ જવાની બીકે આરોપીઓએ તેને ગળે ટુંપો આપી હત્યા કરી દીધી હતી. આ મામલે ડ્રાઈવરે જ પૂર્વ આયોજિત કાવતરૂ રચી જૈનમનું અપહરણ કર્યું હતું. 25 માર્ચ 2014ના રોજ જૈનમની લાશના ટુકડા કોથળામાં ભરેલા એક કેનાલમાંથી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી મસરૂ પ્રજાપતિ અને માધા રબારીને ઝડપી પાડ્યા હતા, આ સાથે તેમને મદદ કરનાર અન્ય ચાર આરોપી મફાજી ઠાકોર, વિનુભા વાઘેલા, અશોકજી ઠાકોર અને જેન્તીજી ઠાકોરને પણ ઝડપી કાઢવામાં આવ્યા હતા. ડીસા કોર્ટે આ તમામ 6 આરોપીઓને સજા ફટકારી છે.

(8:33 pm IST)