Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બારડોલી નજીક પસાર થતી સીમમાંથી અજાણ્યા વાહનની હડફેટે બે યુવાન મોતને ભેટ્યા

બારડોલી:તાલુકાના નવીકીકવાડ ગામની સીમમાં ને.હા.નં.૫૩ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક પર જતા વાલોડના બે યુવાનને અડફટે લઈ ડીવાઈડર સાથે દુર સુધી ઘસડી જતા બંને યુવાનના મોત નીપજ્યા હતા. મરનાર બંને યુવાનો એના ગામે લગ્ન પ્રસંગમાંથી રાત્રે ઘરે જવા નીકળ્યા હતા. તાપી જિલ્લાના વાલોડ ગામે સેઢી ફળિયામાં રમેશ જેઠાભાઈ હળપતિ (ઉ.વ.૪૭) અને રમેશ કલ્યાણભાઈ હળપતિ (ઉ.વ.૪૫) પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ બંને રમેશ હોન્ડા ટયુટ (નં.- જીજે- ૨૬- એલ- ૭૮૩૯) લઈને પલસાણા તાલુકાના એના ગામે સંબંધીના લગ્નમાં ગયા હતા. લગ્ન સમારંભ પુરો થતા રાત્રે ૧૦ વાગ્યે પરત વાલોડ ગામે જવા નીકળ્યા હતા. દરમિયાન ને.હા.નં.૫૩ પર નવી કીકવાડ ગામની સીમમાંથી પસાર થતા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલા કોઈ અજાણ્યા વાહનચાલકે બંને રમેશની બાઈકને અડફટે લઈ ડીવાઈડર સાથે દૂર સુધી ઘસડી વાહન લઈ ભાગી ગયા હતા. બાઈક સાથે ડીવાઈડર સાથે ઘસડાટેલા બંને રમેશને ગંભીર ઈજા થતા એક રમેશનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજા રમેશને સારવાર માટે સરદાર હોસ્પિટલમાં લઈ જતા ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે બારડોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:28 pm IST)