Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત બીઆરટીઅેસ રૂટ ઉપરના સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા બીઆરટીઅેસ રૂટ ઉપર લોકો માટે સીટી બસની સુવિધા શરૂ કરાઇ છે. આ રૂટ ઉપર સીસીટીવી કેમરા પણ મુકવામાં આવ્યા છે. જો કે, આ સીસીટીવી કેમરા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી આ રૂટ ઉપર દોડતા ખાનગી વાહનો ઉપર કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી શકાયત નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન ક્ષેત્રમાં હયાત એએમટીએસ બસ સર્વિસ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે બીઆરટીએસ બસ સર્વિસ શરૂ કરાઇ છે. બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે બીઆરટીએસ બસ સર્વિસનો મુખ્ય હેતુ જ ઉતારુઓને ઝડપી બસ સેવા પૂરી પાડવાનો છે.

એટલે જ બીઆરટીએસ બસને માટે ખાસ બીઆરટીએસ કોરિડોર બનાવાયા છે. સત્તાવાળાઓનો આ સ્વતંત્ર કોરિકોરમાં બીઆરટીએસ બસ ટ્રાફિક જામની સમસ્યા વગર સડસડાટ દોડી શકે તેવો ઉમદા આશય હતો. કમનસીબે કોરિડોરમાં સંખ્યાબંધ ખાનગી વાહનો ઘૂસી જતાં હોઇ તેનો ઉદ્દેશ્ય્ લેખે લાગ્યો નથી.

બીઅારટીસીના કેમેરાનું એક્સેસ હજુ સુધી શહેર ટ્રાફિક પોલીસને અપાયું નથી. જેથી વાહન ચાલકોને ઇ-મેમો અાપી શકાતો નથી. બીજી તરફ સત્તાધીશોએ લાખો રૂપિયાના ખર્ચે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુકાયેલા ૬૦૦ જેટલા સીસીટીવી કેમેરા શો પિસ બન્યા હોઇ નવો વિવાદ ઊઠયો છે.

છેલ્લા એક મહિનાથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લગતા વિવિધ ગુનાસર વાહનચાલકોને ઇ મેમો ફટકારાઇ રહ્યા છે. જેમાં સ્ટોપલાઇન, નો પાર્કિંગ, ફે‌ન્સી પ્લેટ, રોંગ સાઇડ, ત્રણ સવારી, બ્લેક ફિલ્મ ઉપરાંત મોબાઇલ ફોન પર ચાલુ વાહને વાતચીત જેવા ગુના સામેલ છે.

પરંતુ બીઆરટીએસ કોરિડોરમાં આડેધડ રીતે પ્રવેશતાં ટુ વ્હીલર, ફોર વ્હીલર, રિક્ષા સહિતનાં ખાનગી વાહનો પર અંકુશ મૂકવામાં તંત્ર મહદ્અંશે નિષ્ફળ નીવડયું છે. કેમ કે કસૂરવાર વાહનચાલકોને જે તે બીઆરટીએસ બસસ્ટેન્ડ પર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં ઝડપી તો શકે છે, પરંતુ તેનું 'ફીડબેક' પાલડી ખાતેના કંટ્રોલ રૂમમાં મોકલી શકાતું નથી.

આમ તો મ્યુનિસિપલ સત્તાવાળાઓએ એક વર્ષ અગાઉ ૧પ૦ બસસ્ટેન્ડ પર બે અંદરની તરફ અને બે બહારની તરફ એમ કુલ ચાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પ્રત્યેક સીસીટીવી કેમેરાને લગાવવા પાછળ રૂ.પ૦,૦૦૦ ખર્ચાયા છે. આ સીસીટીવી કેમેરા નાઇટ વિઝન ધરાવતા હોઇ તેમાં ૩૦ દિવસનું રેકોર્ડિંગ થઇ શકે છે તેવો મ્યુનિસિપલ ઇ-ગવર્નન્સ વિભાગનો દાવો છે.

બીજી તરફ બીઆરટીએસ કોરિડોરમાં સત્તાધીશોએ વધુને વધુ એએમટીએસ બસ દોડાવવા લીધી છે. ગયા શનિવારથી એએમટીએસની કલ છ રૂટની ૪૯ બસને દોડાવવા લેતાંં કુલ ૧ર રૂટની કુલ ૯૧ બસ બીઆરટીએસ કોરિડોરમાં દોડવા લાગી છે.

આ રૂટ પરની ટ્રાફિકની ગીચતાને ઓછી કરવા બીઆરટીએસ કોરિડોરમાંં હંકારવાની મંજૂરી આપવાની હવે બીઆરટીએસ બસ ઉપરાંત એએમટીએસ બસની પાછળ પાછળ ટ્રાફિક બ્રિગેડના વૃદ્ધ ખાનગી સિકયોરિટી ગાર્ડને ડરાવી-ધમકાવીને કોરિડોરમાં ઘૂસનારા વાહનચાલકોની સંખ્યા વધી છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓનો શહેરભરમાં કુલ ૬ર૦૦ સીસીટીવી કેમેરા લગાવવાનો લક્ષ્‍યાંક છે. જે પૈકી બીઆરટીએસ બસ સ્ટેન્ડના કુલ ૬૦૦ સહિત ર૦૦૦થી રપ૦૦ સીસીટીવી કેમેરા લગાવાઇ ગયા છે, પરંતુ બીઆરટીએસ બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરાનું પાલડીના કંટ્રોલ રૂમ સાથે લિંકઅપ થયું ન હોવાની ચોંકાવનારી કબૂલાત બીઆરટીએસ વિભાગ દ્વારા કરાઇ છે.

બીઆરટીએસ વિભાગના આધારભૂત વર્તુળો કહે છે કે પાલડીના કંટ્રોલ રૂમ સાથે સીસીટીવી કેમેરાને લિંક કરાયા નથી. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસતાં ખાનગી વાહન પર અંકુશ મૂકી શકાતો નથી. બસસ્ટેન્ડની અંદરના બે કેમેરા પણ શો પિસ બન્યા હોઇ પિક અવર્સમાં પોકેટમારોને મોકળું મેદાન મળી રહે છે.

(5:35 pm IST)