Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સુચિત સોસાયટીઓને કાયદેસર કરવાની પ્રક્રિયા હવે આંગળીના ટેરવેઃ તમામ માહિતી ઓનલાઇન પણ જોઇ શકાશે

અમદાવાદઃ સરકાર દ્વારા સુચિત સોસાયટીઓને કાયદેસર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હવે ઓનલાઇન પણ જોઇ શકાય તેવો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાની સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવા માટે સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે, પરંતુ હવે આ સમગ્ર કાર્યવાહી ઓનલાઇન ફરજિયાત કરવામાં આવી છે. સૂચિત સોસાયટી માટેની જેે કામગીરી થશે તે હવે ફરજિયાતપણે ઓનલાઇન થશે, જેના માટે ખાસ એસઆરએસ નામનું સોફટવેર તૈયાર કરાયું છે.

આ સોફટવેર અંતર્ગત સૂચિત સોસાયટીની કેટલી અરજી આવી, કેટલી નામંજૂર કરવામાં આવી, સોસાયટીના પ્રકાર અને હેતુ સહિતની તમામ માહિતી ઓનલાઇન જોઇ શકાશે.

એસઆરએસ સોફટવેરમાં હવે કોઇ પણ સૂચિત સોસાયટીના મકાનધારક અરજી કરશે તો તે ફરજિયાત ઓનલાઇન થશે. મામલતદાર કચેરીના મહેસૂલી સેટલમેન્ટ અધિકારી આ કામગીરી કરશે. અત્યાર સુધી અમદાવાદ શહેરમાં કુલ ૩૦,૦૦૦થી વધુ આસામીઓએ મકાન કાયદેસર કરવા માટે ફોર્મ ભર્યાં છે.

તે અન્વયે રપ૦૦થી વધુ કેસની સુનાવણી પૂરી કરી દેવામાં આવી છે. અંદાજે પ૦,૦૦૦થી વધુ ફોર્મ વિતરણ કરાયાં છે. સરકારે પહેલાં આ માટે કટ ઓફ ડેટ ર૦૦૦ પહેલાંની સૂચિત સોસાયટીના આધાર-પુરાવા રજૂ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ત્યારબાદ ફરી એક પરિપત્ર દ્વારા કટ ઓફ ડેટ ર૦૦૦ કરાતાં કેટલીક અરજીઓ અનિર્ણીત છે. મામલતદાર દ્વારા જે તે વિસ્તારની સૂચિત સોસાયટીની માપણી કરવાની બાકી હોવાના કારણે પણ કેટલીક અરજીઓ પેન્ડિંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરો અને નગરોની આજુબાજુ સૂૂચિત સોસાયટીમાં વસવાટ કરતા રહીશોના નામે મકાનનો ભોગવટો કાયદેસર થાય તે માટે સરકારે મહેસૂલ કાયદા-૧૮૭૯માં ફેરફાર કરીને સૂચિત સોસાયટીમાં વસતા રહીશોને જમીન મહેસૂલ ટાઇટલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી છે.

(5:33 pm IST)