Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અમદાવાદની મસ્જિદમાં નમાજ પઢાવી રહેલ મૌલવી પાસેથી માઇક ખેંચી ઢોરમાર માર્યો

પોતાના નિયમ અને ફતવા મસ્જિદમાંથી જાહેર કરવા મૌલવી પર દબાણ કરતો હોવાની ફરિયાદ

રાજકોટ તા. ૧૨ : અમદાવાદના જુહાપુરાના યાસીન બાપુ વિરુદ્ઘ વધુ એક ફરિયાદ હવે ક્રાઈમ બ્રાન્ચમાં થઈ છે. તેણે મસ્જિદમાં નમાજ પઢાવી રહેલા મૌલવીના હાથમાંથી માઈક ખેંચીને ઢોર માર માર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. આક્ષેપ છે કે, યાસીન બાપુ પોતે બનાવેલા નિયમ અને ફતવા મસ્જિદમાંથી જાહેર કરવાનું મૌલવી પર દબાણ કરતો હતો. જેમાં એક વખત તેને રૂમમાં પુરીને માર માર્યો અને માથે બંદૂક મૂકી ધમકી પણ આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે યાસીન વિરુદ્ઘ ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું ન.ગુ.માં પ્રસિધ્ધ થયું છે.

સરખેજ પોલીસ સ્ટેશન સામે આવેલી શેરઅલી બાવા મસ્જિદના ઈમામ આરીફુદ્દીન અહેમદભાઈ સૈયદ (ઉં.૩૯)એ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે કે, તે શેરઅલી બાવા મસ્જિદમાં નમાજ પઢાવવાનું કામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી સૈયદ પીરહુસૈન ઉર્ફ યાસીન બાપુ શેરઅલી બાવા મસ્જિદમાં બનાવેલા નિયમોનું તથા ફતવાઓનું ચુસ્ત પણે પાલન કરવું અને બીજાને પણ કરાવવું તેમ કહી ધમકી આપતા હતા.

મૌલાનાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, યાસીન બાપુએ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ઘનું લખાણ પણ ફેસબૂક પર લખ્યું હતું. યાસીન બાપુ મુસ્લિમ ધર્મ અંગે ઝનૂની ભાષણો આપતો હતો. જેના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપવા ફરિયાદ મૌલાનાએ જણાવ્યું હતું.

૩૦ એપ્રિલે મૌલાના સરખેજ ઢાળ પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે સૈયદ પીરહુસૈન ઉર્ફ યાસીન બાપુ ઉસ્માનમીયાં (રહે. સમીર રેસીડન્સી, મસ્તાનબાવાની દરગાહ સામે, સરખેજ) તથા અફજલખાન દિલાવરખાન પઠાણ (રહે. સિપાઈવાસ, સરખેજ ગામ)એ અટકાવી શ્નચાલો તમારી સાથે વાત કરવી છે' તેમ કહી સરખેજ ઢાળ પાસે અફજલખાનની ઓફિસમાં લઈ ગયા હતા. જયાં પહેલેથી અમીન મોહમદભાઈ મીનાપરા (રહે. તવક્કલ સો. સરખેજ) અને કાદર ચાંદભાઈ (રહે. સંજરી હોટલ, સરખેજ ઢાળ)એ મળીને તેમને મારમાર્યો હતો. આ સમયે યાસીને બંદૂક બતાવી ધમકી આપી હતી કે, મેં બનાવેલા નિયમોનું પાલન કર, નહીંતર મારી નાખીશ.

ત્યારબાદ ૬ મેના રોજ અસરની નમાજ અદા કરાતી વેળા આ ચારેય શખ્સો પાછા મસ્જિદમાં આવ્યાં હતા અને સરખેજ રોજા કમિટી દ્વારા શેરઅલી બાવા મસ્જિદમાંથી નમાજ પઢાવવામાંથી બેદખલ કર્યાનો પત્ર આપી તેમાં સહી કરવા કહ્યું હતું. મૌલાનાએ સહી કરવાની ના પાડતા ચાલુ નમાજે તેમના હાથમાંથી માઈક ખેંચી લઈ તેમના પર હુમલો કર્યો હતો. ઉપરોકત ઘટના અંગે મૌલાના આરીફુદ્દીન સૈયદે પોલીસ કમિશનરને જાણ કરતા તેમણે યાસીન બાપુ વિરુદ્ઘ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.આ કેસની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બી.સી. સોલંકી ચલાવી રહ્યાં છે.

(12:36 pm IST)