Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

નડિયાદના કપડવંજ રોડ પરના એસટી વર્કશોપના સ્ક્રેપયાર્ડમાં આગ

જુના ટાયરો-ફિલ્ટરો સહિતનો સમાન બળીને ખાખ: અગ્નિશીલ વસ્તુના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

નડિયાદના કપડવંજ રોડ પર આવેલ ખેડા-આણંદ જિલ્લાના એસ.ટી વિભાગના વર્કશોપના સ્ક્રેપયાર્ડમાં આગ ભભુકતા ચકચાર જાગી છે આગ લાગતા વર્કશોપના સ્ક્રેપયાર્ડમાં રાખવામાં આવેલ જુના ટાયરો, ફિલ્ટરો સહીતનો સામાન સળગીને ખાખ થઇ ગયો છે જોકે એસ.ટી. નગર ખાતે આવેલ વર્કશોપના સ્ક્રેપયાર્ડમાં આગ લાગવાની આ કોઇ પહેલી ઘટના નથી જેના કારણે હવે આ ઘટનાઓ અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.

    જાણવા મળ્યા મુજબ નડિયાદ ફાયર બ્રિગેડને મળેલા કોલને પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ કપડવંજ રોડ પર આવેલ એસ.ટી વર્કશોપમાં દોડતી થઇ ગઇ હતી.એસ.ટી વર્કશોપના સ્ક્રેપયાર્ડમાં કોઇ કારણસર આગ લાગતા એસ.ટી.ના જુના ટાયરો તેમજ ફિલ્ટરોનો મોટો જથ્થો હોવાના કારણે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધુ હતુ.

   ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સ્ક્રેપયાર્ડમાં જુના ટાયરો અને ઓઇલના ફિલ્ટરો મૂકવામાં આવ્યા હતા, જે બંને અગ્નિશીલ હોવાને કારણે આગ પર કાબુ મેળવવો ખૂબ મુશ્કેલ હતો. બીજી તરફ ટાયરોને કારણે ધુમાડો પણ વધારે થતો હોવાથી આગ પર કાબુ મેળવાની કામગીરી મુશ્કેલ બનતી હતી. જોકે લગભગ ૩ કલાક સુધી ચાર જેટલી ગાડીઓથી હજ્જારો લીટર પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

(11:54 am IST)