Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

હાઇકોર્ટે ખાનગી શાળામાં RTE હેઠળ નર્સરીથી જ પ્રવેશ આપવા મામલે સરકારને નોટીસ ફટકારી

નર્સરીથી જ પ્રવેશના મુદ્દાનો અમલ નહીં થવા અંગે અરજીની ૧૩મી જૂને વધુ સુનાવણી

અમદાવાદ તા. ૧૨ : રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં પ્રિ-પ્રાયમરી સ્કૂલ એટલે કે નર્સરીથી જ પ્રવેશ આપવાના મુદ્દાનો અમલ ન થવા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજય સરકારને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી ૧૩ જૂને હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આરટીઈના કાયદામાં જોગવાઈ છે કે, નર્સરીથી જ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવી જોઈએ અને તેમને પ્રવેશ આપવો જોઈએ.

જો કે, આ કાયદાનો અમલ રાજય સરકાર યોગ્ય રીતે કરતી નથી. રાજય સરકાર દ્વારા પહેલા ધોરણથી આરટીઈ એકટ હેઠળ ગરીબ બાળકો માટે પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવે છે. જો કે, વાસ્તવિકતા એ છે કે, નર્સરીથી જ પ્રવેશ આપવો જોઈએ. જો કે, ખાનગી શાળાઓ તેનો અમલ કરતી નથી. જેના લીધે, આ જગ્યાઓ પર ખાનગી શાળાઓ પ્રવેશ ફી પેટે કરોડોની કમાણી કરે છે.(૨૧.૭)

(11:50 am IST)