Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

અમદાવાદમાં વક્ફ ટ્રસ્‍ટના ચેરમેન પીર હુસેન (યાસીનબાપુ)એ તેમના બતાવેલા નિયમો પાળવાનું કહીને સરખેજની શેરઅલી દરગાહના ઇમામને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદઃ વક્ફ ટ્રસ્‍ટના ચેરમેન પીર હુસેન ઉર્ફે યાસીનબાપુએ સરખેજમાં આવેલ દરગાહના ઇમામને ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે.

યાસીનબાપુએ ઈમામને તેમના બનાવેલા નિયમો પાળવાનું કહી ધમકી આપી હતી. યાસીને પીએમ નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ધમાં ફેસબુકમાં લખાણ પણ લખ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આરીફુદ્દીન સૈયદ સરખેજ પોલીસ સ્ટેશન પાસે આવેલી શેરઅલી દરગાહમાં ઇમામ તરીકે કામ કરે છે. સરખેજમાં આવેલી સમીર રેસિડન્સીમાં રહેતા અને વકફ ટ્રસ્ટના ચેરમેન પીર હુસેન ઉર્ફે યાસીનબાપુ સૈયદ અવારનવાર મસ્જિદમાં મને મળે ત્યારે તેમણે બનાવેલા નિયમો પાળવા અને બીજાને પાલન કરાવવા કહેતા હતા.

૩૦ એપ્રિલના રોજ સરખેજ ઢાળ પાસેથી આરીફુદ્દીન પસાર થતો હતો ત્યારે યાસીનબાપુ અને અફઝલખાન પઠાણ (રહે. સિપાઈવાસ, સરખેજ) એક્ટિવા લઈને આવ્યા હતા અને બંને તેને અફઝલખાનની ઓફિસે લઇ ગયા હતા. ઓફિસમાં અમીન મીનાપરા (રહે. સરખેજ ગામ) અને કાદરભાઈ (રહે. સરખેજ) હાજર હતા. ચારેયે ભેગા મળી આરીફુદ્દીનને માર માર્યો હતો. યાસીનબાપુએ રિવોલ્વર કાઢી આરીફુદ્દીનને બતાવી કહ્યું હતું કે તેમના બનાવેલા નિયમો નહિ પાળે તો જાનથી મારી નાખીશ.

ગત રવિવારે આ ચારેય શખ્સ શેરઅલી દરગાહે આવીને રોજ કમિટી દ્વારા તેને બેદખલ કરી દીધા અંગેના પત્ર પર સહી કરવાનું કહ્યું હતું. અારીફુદ્દીને સહી ન કરતાં માર માર્યો હતો. મારથી બચવા આરીફુદ્દીન ત્યાંથી નાસી ગયો હતો. બીજા દિવસે તેણે પોલીસ કમિશનર અને સરખેજ પોલીસને યાસીનબાપુ સહિતના લોકો સામે અરજી આપી હતી.

અંગે ક્રાઈમ બ્રાન્ચમાં આરીફુદ્દીને ફરિયાદ નોંધાવી હતી કે યાસીનબાપુએ તેમના બનાવેલા નિયમ પાળવા માટે રિવોલ્વર બતાવી માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે યાસીનબાપુ હુસેની મ‌િસ્જદમાં ધર્મઝનૂની ભાષણ આપે છે. અવારનવાર ફતવા બહાર પાડે છે. ર મેના રોજ પીર હુસેન ઉર્ફે યાસીનબાપુ સૈયદે તેના ફેસબુક એકાઉન્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(5:48 pm IST)