Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સી આર પાટીલે રેમડેસિવિરની ચેરિટી કર્યાનો કોર્ટમાં સરકારનો બચાવ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર વચ્ચે વિવાદ : દર્દીઓમાં ઓક્સિજનની અછત સર્જાય ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન રામબાણ પુરવાર, રાજ્યમાં ઇન્જેક્શનની અછત

અમદાવાદ, તા. ૧૨ : રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ ગંભીર અને કાબૂ બહાર જઇ રહી છે. હવે તો એવો ભય લાગી રહ્યો છે કે કોરોનાના પ્રકોપને કારણે ગુજરાતનું સ્વાસ્થ્ય માળખું પડી ભાંગશે. ત્યારે તમામ પરિસ્થિતિ જોતા ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો દાખલ કર્યો હતો. જે અંગે આજે બપોરે ચીફ જસ્ટિસ્ટની બેંચ દ્વારા સુનવણી કરવામાં આવી હતી.

રાજ્યમાં અત્યારે લોકોને જે હાલાકી થઇ રહી છે તેને લઇને રાજ્યની રુપાણી સરકારની ઝાટકણી કાઢી છે. તો દરમિયાન હાઇકોર્ટમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને તેમણે લોકોને મફતમાં આપેલા રેમડેસિવિર ઇંજેક્શનનો મુદ્દો ઉછળ્યો હતો. હાઇકોર્ટે જ્યારે પુછ્યું કે સી આર પાટિલ પાસે ઇંજેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો ત્યારે સરકારે તેમનો લુલો બચાવ કર્યો હતો.

સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીત કરાયા હતા. જોકે તેમણે સ્પષ્ટતા નહોતી કરી કે ઇન્જેક્શન સીઆર પાટીલ પાસે ક્યાંથી પહોંચ્યા.

ઉલ્લેખનીય છે કે કોરોના દર્દીઓમાં જ્યારે ઓક્સિજનની અછત સર્જાય છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન રામબાણ સાબિત થાય છે. અત્યારે રાજ્યમાં ઇંજેક્શનની અછત સર્જાઇ છે. ત્યારે અછત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ૫૦૦૦ રેમડેસિવિર ઇંજેક્શન મફત આપવાની જાહેરાત કરી હતી અને તેમણે લોકોને મફતમાં વહેંચ્યા પણ છે.

જો કે જાહેરાત સાથે વિવિદ શરુ થયો હતો કે જ્યારે રાજ્યમાં ક્યાંય ઇંજેકશન મળતા નથી, તો પાટિલ પાસે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો મુદ્દે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન કરાયો હતો તો તેમણે વાતની જાણકારી નથી અને પ્રશ્ન સીઆર પાટીલને કરવો એવું જણાવ્યું હતુ. તયારબાદ વિવાદ વધુ ગરમાયો છે. મહત્વપૂર્ણ છે કે રેમડેસિવિર મેળવવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને બીજું કે ઇન્જેક્શન રજિસ્ટર્ડ કેમિસ્ટ પર ઉપલબ્ધ હોય છે. ઇન્જેક્શન મેળવવા માટે દર્દીનો આરટી પીસીઆર રિપોર્ટ, દર્દીનો આધાર કાર્ડ, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગેરેની જરૂર પડતી હોય છે. એવામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પાસે ૫૦૦૦ ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તે પ્રશ્ન છે.

(8:57 pm IST)