Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

વડોદરામાં પોલીસે જાહેરનામા ભંગ અંગેના 50થી વધુ ગુના નોંધ્યાઃ 25 જેટલા વાહન ડિટેઈન કર્યાં

વડોદરાઃ રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કહેરને લઈ સરકાર દ્વારા રાત્રિ કફર્યુના સમયમાં વધારો કરી દીધો છે. ત્યારે વડોદરામાં પોલીસે જાહેરનામા ભંગ અંગેના 50થી વધુ ગુના નોંધ્યા છે. જ્યારે 25 જેટલા વાહન ડિટેઈન કર્યાં છે.

રાજયના 20 જિલ્લાઓમાં સરકાર દ્વારા રાત્રિ કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, હજી પણ ઘણા લોકો મનફાવે તે રીતે લટાર મારવા માટે નિકળી પડતા હોય છે, ત્યારે વડોદરામાં પોલીસે જાહેરનામા ભંગ અંગેના 50થી વધારે ગુના દાખલ કર્યા છે અને 25 જેટલા વાહનોને ડીટેઈન કર્યા છે. આ ઉપરાંત 8 વાગ્યા પછી નાસ્તાની રેંકડી, દુકાનો ખુલ્લી રાખનાર વેપારીઓ, ટુ વ્હિલર, ફોર વ્હિલર, ઓટો રીક્ષા સહિતના વાહનોમાં નિયત કરતા વધુ લોકોને બેસાડનાર ચાલકો સામે, તદઉપરાંત નાસ્તા સહિતની દુકાનોમાં લોકોની ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

જવાહર નગર પોલીસ મથકના જવાનો બાજવા બજાર ખાતે માસ્ક ચેકિંગની કામગીરીમાં હતા, તે સમયે ચાર શખસો આવી પહોંચ્યા હતા અને રોડ ઉપર ઊભા રહી પૈસા ઉઘરાવો છો. તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતા. તે પૈકીના એક શખસે પોતાના મોઢા ઉપરથી માસ્ક કાઢી મારી પાવતી ફાળો તેમ કહી બુમરાણ મચાવી હતી.

માસ્ક ના પહેરવા બદલ નોંધાયા ગુના

રાજ્ય પોલીસ તંત્ર દ્વારા 10 એપ્રિલના રોજ જાહેરનામા ભંગના તથા અન્ય ગુનાઓ મળી કુલ 2,145 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આવા ભંગ બદલ કુલ 2,067 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-11,948 વ્યક્તિઓ પાસે દંડ વસુલ કરાયેલ છે. કરર્ફ્યૂ ભંગ બદલ તથા એમવી એક્ટ-208ની જોગવાઇઓના ભંગ બદલ કુલ 1,120 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

(5:56 pm IST)