Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સુરતમાં બિહારના શ્રમિકના પરિવારને કર્ફયુમાં પોલીસના મારના ડરથી પુત્રી ગુમાવવી પડીઃ કર્ફયુમાં દર્દીની સારવાર માટે છૂટે મળે છે તેની ખબર ન હતી

સુરતઃ સુરતમાં શ્રમિક પરિવારની 5 વર્ષની દિકરીનું મોત થઇ ગયું. દુઃખની વાત એ છે કે તેનું મોત સારવારના અભાવે થયું અને તે પણ રાત્રે કરફ્યૂમાં પોલીસની મારના ડરથી પરિવાર બીમાર દિકરી રિયાને લઇ આખી રાત બેસી રહ્યુ. 5 વર્ષીય બાળકી ઝાડાં-ઉલ્ટી કરતી રહી. પરિવાર વિચારમાં હતો કે સવારે દવાખાને લઇ જશે. પરંતુ ત્યાં સુધી તો બહુ મોડું થઇ ગયું અને દિકરીએ આ દુનિયા છોડી દીધી.

પ્રાપ્ત વિગત મુજબ સુરતના સચિન વિસ્તારમાં પાલીગામની સાંઇકૃપા સોસાયટીમાં જીતેનસીંગ પરિવાર સાથે રહે છે. તે મૂળ બિહારના આરા જિલ્લાનો વતની છે. જો કે રોજી-રોટી માટે અહીં રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

5 વર્ષની રિયા આખી રાત ઝાડાં-ઉલ્ટી કરતી રહી

ગઇકાલે જીતેનસીંગની 5 વર્ષની દિકરીને અચાનક ઝાડાં-ઉલ્ટી થવા લાગ્યા. પરંતુ જીતેનસીંગને ડર લાગ્યો કે રાત્રે 8 વાગ્યાથી શહેરમાં કરફ્યૂ છે અને જો બહાર નીકળીશું તો પોલીસ પકડીને મારશે, તેથી સવારે દિકરીને હોસ્પિટલ સારવાર માટે લઇ જઇશું.

સવાર થતાની સાથે પુત્રીને લઈને સારવર માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે તબીબો એ આ બાળકી વિષે પૂછતાં પિતાએ રાત્રે પુત્રીને ઝાડા ઉલ્ટી થતા હતા. તેને ડોકટર પાસે લઇ જવી હતી. પણ રાતે બહાર જઇશું તો પોલીસ રોકશે, મારશે કે કોઇ ટપોરી મારામારી કરીને લૂંટી લેશે તેવો ડર હતો એટલે રાતે પુત્રીને હોસ્પિટલ લાવી શક્યો નહોતો.

પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

આજે વહેલી સવારે રિયાને સચિનની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યાંથી સિવિલ લઇ જવા કહેતા તે અહીંયા લઈએ આવ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વાસ્તવમાં કરફ્યૂના નિયમોથી અજ્ઞાન જીતેનસીંગ અને તેના પરિવારને ખબર નહતી કે કરફ્યૂમાં દર્દીની સારવાર સહિતના ઇમરજન્સી કેસમાં બહાર નીકળવાની છૂટ છે. પરંતુ આવી માહિતીઓનો અશિક્ષિત વર્ગ સૌથી વધુ ભોગ બનતો હોય છે અને જીતેનસીંગને પણ આ અજ્ઞાનતાને કારણે દિકરી ગુમાવવાનો વારો આવ્યો.

(5:19 pm IST)