Gujarati News

Gujarati News

News of Sunday, 12th April 2020

15મીથી ગુજરાતમાં લોકડાઉનમાં આંશિક રાહત મળશે ? : વિમાન ટ્રેનો તથા બસ તેમજ શાળા-કોલેજો રહેશે બંધ : કાલે સત્તાવાર જાહેરાતની સંભાવના

અમુક આવશ્યક ઉદ્યોગો અને વેપારીઓ વ્યવસાય ચાલુ રાખી શકશે : અમુક ચોક્કસ ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રી પણ ખૂલી શકશે : ગુજરાતની સરહદ અન્ય રાજ્યો માટે બંધ રહેશે

ગાંધીનગર :કોરોના વાયરસને કારણે 25મી માર્ચથી ૨૧ દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જે 14 એપ્રિલ સુધી ચાલશે,વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સથી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉનના સંદર્ભમાં લાંબી ચર્ચા વિચારણા કરી હતી. જેમાંથી કેટલાક રાજ્યોએ લોકડાઉનને હજુ બે સપ્તાહ એટલે કે ૩૦મી એપ્રીલ સુધી લંબાવવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ એવો અભિપ્રાય આપ્યો હતો કે કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉનનો વિકલ્પ સારો જ છે પરંતુ સાથોસાથ રોજગાર ઉદ્યોગ પણ મહત્વના છે. આવા મુખ્યમંત્રીઓએ પીએમ મોદી સમક્ષ એવી વાત મૂકી હતી કે જે જિલ્લા કે શહેરોમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ખૂબ જ વધુ છે તેવા વિસ્તારોમાં સંપૂર્ણપણે લોકડાઉનનો અમલ કરાવવો જોઇએ પરંતુ એ સિવાયના બાકીના તમામ વિસ્તારોમાં લોકડાઉનને હળવું કરવું જોઈએ જેથી નોકરી તથા વ્યવસાય ચાલી શકે

          આધારભૂત સૂત્રો જણાવે છે કે વડાપ્રધાન સાથે થયેલી ચર્ચા વિચારણા મુજબ ૧૫મી એપ્રિલથી ગુજરાતમાં લોકડાઉનને ઘણું જ હળવું કરી દેવાશે જેની આવતીકાલે સત્તાવાર જાહેરાતની સંભાવના છે. જોકે તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ રહેશે. જેમાં એરપોર્ટ પરના વિમાનો તથા રેલવેની ટ્રેનો અને ગુજરાત એસટી તથા એએમટીએસની સ્થાનિક બસ સેવાનો સમાવેશ થાય છે. આ બધી જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે પરંતુ લોકો પોતાના વાહનો લઇને નીકળી શકશે. ગુજરાતની તમામ શાળા કોલેજો પણ બંધ રહેશે. એટલું જ નહીં ગુજરાતની સરહદ અન્ય રાજ્યો માટે બંધ રહેશે. આ જ રીતે રાજ્યના તમામ જિલ્લાઓ પણ એકબીજા માટે બંધ રહેશે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે નહીં કે ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં પણ જઈ શકાશે નહીં. તેમજ અન્ય રાજ્યના કોઇપણ માણસને ગુજરાતની અંદર આવા દેવાશે નહીં પરંતુ જે તે શહેરના અમુક આવશ્યક ઉદ્યોગો અને વેપારીઓ પોતાનો વ્યવસાય ચાલુ રાખી શકશે અને અમુક ચોક્કસ ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રી પણ ખૂલી શકશે તેવું જાણવા મળે છે.

(12:35 am IST)