Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

એપોલો હવે ધ ગુજરાત હેલ્ધી હાર્ટની પહેલને ચરિતાર્થ કરશે

એપોલો હાર્ટ ઇન્સ્ટી.ના ઉદ્ઘાટનમાં રૂપાણી હાજરઃ ૫૧ હજાર ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલી એપોલો હાર્ટ ઇન્સ્ટીટયુટ હૃદય રોગના દર્દી માટે કાર્ડિયાક કેર સુવિધા

અમદાવાદ,તા. ૧૨: એપોલો હોસ્પિટલ ગ્રુપ હવે એપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટીટયુટ મારફતે ગુજરાતમાં ધ ગુજરાત હેલ્ધી હાર્ટની પહેલને સાચા અર્થમાં ચરિતાર્થનો પ્રયાસ કરશે. લગભગ ૫૧ હજાર ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલ એપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટીટયુટ હૃદય રોગ ધરાવતા દર્દીઓ માટે સંપૂર્ણ કાર્ડિયાક કેર સુવિધા પ્રદાન કરશે અને તેમના માટે આશીર્વાદસમાન સાબિત થશે. આજે સવારે અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ડો.પ્રતાપ.સી.રેડ્ડી (ચેરમેન, અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ), ડો. પ્રિતા રેડ્ડી (વાઇસ ચેરપર્સન, અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ), ડો. રાજીવ મોદી (સીએમડી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ) અને ડો.સમીર દાણી (ડાયરેક્ટર સીવીએચએફ) પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દીપપ્રાગટ્ય સમારંભ સાથે અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપે હેલ્થકેરનાં ક્ષેત્રમાં એક નવું પ્રકરણ શરૂ કર્યું હતું, જેમાં ગ્રૂપે શહેરનાં હાર્દમાં અત્યાધુનિક સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલ સ્થાપિત કરવા માટે પહેલીવાર જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.સમીર દાણી સાથે જોડાણ કર્યું છે. ધ ગુજરાત હેલ્ધી હાર્ટ પહેલનો ઉદ્દેશ ગુજરાતને કાર્ડિયાક કેરનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો છે. ગુજરાતમાં સૌથી મોટી કોર્પોરેટ કાર્ડિયાક કેર સુવિધાઓમાંની એક અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલનો વિચાર ડો.પ્રતાપ રેડ્ડી (ચેરમેન, અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપ) અને સ્વ.ડો.ઇન્દ્રવદન મોદી (સ્થાપક ચેરમેન, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ)એ કર્યો હતો. અપોલો સીવીએએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ કાર્યદક્ષ સારસંભાળ માટે અત્યાધુનિક ઉપકરણ અને તબીબી સારસંભાળની સુવિધાઓ સાથે ગુજરાતમાં ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી કાર્ડિયાક સુવિધાઓમાંની એક છે. ડો.સમીર દાણીનાં નેતૃત્વમાં અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અપોલોનાં ધારાધોરણો, પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ, વાસ્ક્યુલર સર્જન અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ દ્વારા સંવેદનાસભર વૈશ્વિક કક્ષાની સારસંભાળ ગુજરાત અને ભારતનાં લોકોને પ્રદાન કરશે. અપોલો સીવીએચએફ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં અપોલો હોસ્પિટલ્સ ગ્રુપનાં ચેરમેન ડો.પ્રતાપ.સી.રેડ્ડીએ જણાવ્યું હતું કે, અમે ૧૯૮૩માં અપોલો હોસ્પિટલ્સનો પાયો નાંખ્યો હતો, જેનો ઉદ્દેશ ભારતનાં વિવિધ વિસ્તારમાં રહેતાં જુદી જુદી આર્થિક ક્ષમતા ધરાવતાં લાખો દર્દીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની હેલ્થકેર પ્રદાન કરવાનો હતો. ત્યારબાદ અત્યાર સુધી અમે તબીબી ક્ષેત્ર નવીનતા લાવવા, નિદાનની સેવાઓ અને અત્યાધુનિક સંશોધનમાં લીડરશિપ જાળવવા અને ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહ્યાં છીએ. અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના સાથે અમે નવી સફર શરૂ કરી છે, જેમાં પહેલી વાર અપોલો ગ્રૂપે સંપૂર્ણ કાર્ડિયાક કેર સુવિધઆઓ પ્રદાન કરવા પાર્ટનર તરીકે હાથ મિલાવ્યાં છે. આ પ્રસંગે સીવીએચએફનાં ડાયરેક્ટર ડો. સમીર દાણીએ જણાવ્યું કે, ભારતમાં હેલ્થકેર ક્ષેત્રમાં લીડર/પથપ્રદર્શક અપોલો હોસ્પિટલ્સ સાથે જોડાણ કરવાનો અમને ગર્વ છે. દરેક કાર્ડિયાલોજિસ્ટ એનાં દર્દીઓ માટે સ્વસ્થ હૃદય- સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાનું સ્વપ્ન સેવે છે. પણ આ કામ એક વ્યક્તિ ન કરી શકે. આ માટે સંપૂર્ણ ટીમની અને અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થા સ્થાપિત કરવાની જરૂર છે. અપોલો હોસ્પિટલ્સનાં વાઇસ ચેરપર્સન ડૉ. પ્રિતા રેડ્ડીએ કહ્યું હતું કે, અપોલો હોસ્પિટલ્સે ભારતીય દર્દીઓને શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવામાં નેતૃત્વ લીધું છે, જે વિદેશમાં પણ દર્દીઓને ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડે છે.

(9:38 pm IST)