Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાહુલ ગાંધીને આરતી કેવી રીતે કરવી તે આવડતું નથી

મુખ મેં રામ બગલ મેં છુરી જેવી માનસિકતા : મત લેવા મંદિર મંદિર ફરવાનું પરંતુ મંદિર માટે લડાઈમાં કોર્ટમાં તેના નિર્માણમાં રોડા નાંખવાનું કામ કોંગ્રેસ પાર્ટીનું

અમદાવાદ,તા.૧૨ : ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજરોજ મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે લોકસભા બેઠકના ઉમેદવાર શારદાબેન પટેલના સમર્થનમાં આયોજિત એક વિશાળ જનસભામાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. આ જંગી સભાને સંબોધતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બેચરાજીની પવિત્ર ધરતી પર બહુચરમાતા સાક્ષાત્ બીરાજમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ માં ભગવતીના ઉપાસક છે, માં ભારતીના આશીર્વાદથી જ આજે આદરણીય નરેન્દ્ર મોદી સમગ્ર ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં હંમેશાથી ભાજપનો દબદબો રહ્યો છે અને એમાંય મહેસાણા તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ છે. આપણે સૌએ ગર્વ લેવો જોઈએ કે, આજે મહેસાણાના પનોતાપુત્ર સમગ્ર દેશની ધૂરા સંભાળી રહ્યા છે  અને આગળ પણ સંભાળતા રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માતાજીના ચરણસ્પર્શ કેવી રીતે કરવા? આરતી કેવી રીતે ઉતારવી? તે પણ આવડતું નથી.

ભારતીય સંસ્કૃતિનો જેમને કોઇ ખ્યાલ જ નથી તેવા રાહુલ ગાંધી અને તેમનો પરિવાર આજે ચૂંટણીના સમયે મંદિર-મંદિર ફરીને હિન્દુ સમાજના મત લેવા માટે નીકળ્યાં છે. આ એ જ રાહુલ ગાંધી છે જે સોમનાથમાં દર્શનાર્થે ગયા હતા અને ત્યાંની વિઝીટર બુકમાંરિલીજીયનના ખાનામાં તેમણે કાંઈ લખ્યું જ નથી અને આજે મંદિર-મંદિર ફરીને તેઓ હિન્દુ સમાજને લલચાવી ફોસલાવીને હિન્દુત્વના નામે મત માંગવા નીકળ્યા છે. ચૂંટણી આવે એટલે  હિંદુઓ અને મંદિરો યાદ આવે, ચૂંટણી જાય એટલે હિન્દુ ક્યારેય યાદ ન આવે આવી માનસિકતા ધરાવતા લોકો આજે દેશના પ્રધાનમંત્રી બનવા માંગે છે. મત લેવા માટે મંદિર-મંદિર ફરવાનું પરંતુ રામ મંદિરની લડાઈમાં સુપ્રીમ કોર્ટમાં તેના નિર્માણમાં રોડા નાખવાના, આ જ કોંગ્રેસની વાસ્તવિકતા છે. કોંગ્રેસની માનસિકતા ''મુખ મેં રામ, બગલ મેં છુરી'' જેવી છે.

(8:16 pm IST)