Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વડોદરામાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકસભા ચૂંટણી બહિષ્‍કારના બેનરો લાગ્યા

વડોદરા: લોકસભા ચૂંટણી નજીક આવી ગઇ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં મતદન થયા તે મુજબનું આયોજન પણ કરી દીધું છે. તેવા સમયે વડોદરાના ખોડીયાર નગર સ્થિત મારુતિ નગરમાં પ્રાથમિક સુવિધા નહીં મળવાને કારણે સ્થાનિક રહીશો દ્વારા લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને મત માગવા આવશે તો માર મારવાની ચીમકી ઉચારવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી ટાણે પોતાના વિસ્તારમાં વિકાસના કામો થયા ન હોવાને કારણે ખોડીયાર નગર સ્થિત મારુતિ નગરમાં રહેતા રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં વહીવટી તંત્ર ઊનું ઉતર્યું હોવાના કારણે રહીશો આ પ્રકારનો બહિષ્કાર કરી રહ્યાં છે. મહત્વનું છે કે મારુતિ નગરમાં શુદ્ધ પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને પેવર બ્લોક નાખવાની રહીશો માગ કરી રહ્યા છે.

વારંવાર રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં, વહીવટી તંત્ર દ્વારા તેમની રજુઆતો પર ધ્યાન આપવામાં આવતું ન હતું. જેના કારણે મારુતિ નગરમાં રહેતા રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી ચીમકી ઉચ્ચારી હતી કે, સાસાયટીમાં કોઇપણ રાજકીય પક્ષે મત માગવા આવવું નહીં. જો કોઇ મત માગવા આવશે તો માર મારવામાં આવશે. આ સાથે જ મારૂતિ નગરના રહીશો દ્વારા શાસક પક્ષ વિરૂદ્ધ સૂત્રો ચાર કરવામાં આવ્યો હતો.

(5:23 pm IST)