Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અલ્પેશને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા હાઇકોર્ટમાં ધા નખાશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ નોટીસ ફટકારી ૭ દિવસમાં માંગ્યો ખુલાશો : અલ્પેશને બિહારના સહપ્રભારી પદેથી હટાવીને કપૂરની કરાઇ નિમણૂંક : ગેરલાયક ઠેરવવા પુરાવા એકત્રીત કરાયા

રાજકોટ, તા. ૧૨ :. છેલ્લા ઘણા દિવસથી ચાલતા અલ્પેશ ઠાકોરના રાજકીય એપીસોડમાં કોંગ્રેસે હવે કડકહાથે કામગીરી શરૂ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હવે અલ્પેશ સામે કુણીલાગણીના બદલે તેની ખુલ્લેઆમ પક્ષ વિરોધી પ્રવૃતિની ગંભીર નોંધ લઈ તેને શા માટે સસ્પેન્ડ ન કરવો ? તે અંગેની શોકોઝ નોટીસ પ્રમુખ અમિત ચાવડાએ પાઠવી છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની પક્ષ વિરોધી પ્રવૃતિના સંખ્યાબંધ પુરાવા એકત્રીત કરીને કોંગ્રેસ તેને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા હાઈકોર્ટમાં ઢસડી જશે. કોંગી સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભા સ્પીકર કે અન્ય સંબંધીત તંત્ર પાસે ન્યાયની કોઈ આશા ન હોય કોંગ્રેસ અલ્પેશને ગેરલાયક ઠેરવવા હાઈકોર્ટમાં રીટ-પીટીશન કરશે. અલ્પેશ બિહારમાં સહપ્રભારી હોય અલ્પેશની જગ્યાએ તાકીદની અસરથી કોંગી અગ્રણી કપુરને બિહારના સહપ્રભારી બનાવવામાં આવ્યાનું જાણવા મળે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અલ્પેશ કોંગ્રેસ અને તેના ટેકેદારો સામે કડક કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે અને આ નિર્ધારના પ્રથમ તબક્કા રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તેને નોટીસ પાઠવી દિવસ ૭ મા ખુલાસો કરવા જણાવાયુ છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની પક્ષ વિરોધી પ્રવૃતિ અંગેના સંખ્યાબંધ પુરાવા હાથવગા કરી લેવામાં આવ્યા છે.

હવે તૂર્તમાં કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટના દરવાજા બતાવવામા આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા અલ્પેશ સામે મક્કમતાપૂર્વક પગલા લેવા લીલી ઝંડી મળી ગયાનું જાણવા મળે છે.

(3:46 pm IST)