Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ગુજરાતમાં બે બેઠકો પરથી ગબ્બર લડી રહ્યા છે લોકસભાની ચૂંટણી

ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીનું અવનવું: આણંદ લોકસભા બેઠક પર એક નહીં, બે ભરત સોલંકી લડશે ચૂંટણીઃ ખેડા બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નહીં: બીજેપી-કોંગ્રેસ સહિત પ૦ રાજકીય પક્ષો લડશે ચૂંટણી

નવી દિલ્હી તા. ૧ર :.. ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ગબ્બર ચૂંટણી લડી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આણંદ લોકસભા બેઠક પરથી એક નહીં, પરંતુ બે ભરત સોલંકી એક સાથે ચૂંટણી લડશે.

ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને અવનવી રસપ્રદ વિગતો જાણવા મળી છે, જેમાં એક નહીં, પરંતુ બે ગબ્બરે આ વખતે લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ઉમેદવારી કરી છે. સુરત બેઠક પરથી સુરવાડે સંતોષ અવધૂત ઉર્ફે ગબ્બર, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે તો નવસારી બેઠક પરથી શર્મા રાજમલ મોહનલાલ ઉર્ફે ગબ્બરે, સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝૂકાવ્યું છે.

આણંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે ભરતભાઇ સોલંકી, પણ આ બેઠક પરથી તેમના નામેનામ એવા એક અપક્ષ ઉમેદવાર ભરતભાઇ સોલંકીએ પણ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે. આ એક યોગાનુયોગ છે કે મતદારોને નામથી  ભ્રમીત કરવાની રાજકીય ચાલ છે એ તો મતદારો જ નકકી કરી શકે છે.

સામાન્ય રીતે તો કોઇપણ બેઠક પર અપક્ષો અડિંગો જમાવતા હોય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ખેડા બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી. આ બેઠક પર કુલ ૭ ઉમેદવાર છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર અને જામનગર બેઠક પરથી પાંચ-દસ નહીં, પરંતુ રપ-રપ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ તો ૧૯૭ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ૩૪૪ પુરૂષ ઉમેદવારો, ર૭ મહિલા ઉમેદવારો અને ૧ થર્ડ જેન્ડર ઉમેદવારે ચૂંટણીમાં ઉમેદવારી કરી છે.

નવસારી બેઠક પરથી બે પત્રકારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે ૪૭ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ૪ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં સૌથી વધુ ૩૧ ઉમેદવારો સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં રપ તો અપક્ષ ઉમેદવારો છે. ગુજરાતમાં સૌથી ઓછા ૬ ઉમેદવારો પંચમહાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

(11:54 am IST)