Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ઓછું મતદાન ભાજપને હાની કરી શકેઃ પ્રથમ ૩ કલાકમાં મતદારોની લાઈન લગાડી દેવા કેસરિયો માસ્ટર પ્લાન

ઘરે-ઘરે સ્ટીકર, ઝંડા લગાડી કેસરિયો માહોલ બનાવવા પ્રભારીની સૂચનાઃ મતદાન વખતે માન્ય પૂરાવા સાથે રાખવા મતદારોને ટકોર કરતા રહેજો

રાજકોટ, તા. ૧૨ :. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાન છે. ભાજપ દ્વારા મતદાન સંદર્ભે ગોઠવણ શરૂ થઈ ગઈ છે. ગયા વખતે રાજ્યમાં ૬૩ ટકા જેટલા મતદાનમાં તમામ ૨૬ બેઠકો ભાજપને મળી હતી. અમુક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં ઉંચુ મતદાન ભાજપને ફાયદો કરી શકે અને ઓછું મતદાન ભાજપને નુકશાન કરી શકે તેવુ ગણિત છે. ભાજપે સખત તાપની સ્થિતિને અનુલક્ષીને સવારે ૭ થી ૧૦માં મહત્તમ મતદાન કરાવવાનો રાજ્યવ્યાપી પ્લાન ઘડયો છે. ગઈકાલે પ્રભારી ઓમ માથુર અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની હાજરીમાં રાજકોટમાં યોજાયેલ લોકસભા ક્ષેત્રના મુખ્ય અગ્રણીઓની બેઠકમાં આ પ્રમાણે સૂચના આપવામાં આવી હતી.

સવારે મતદારો રોજીંદા કામમાં પરોવાય તે પૂર્વે મતદાન કરાવી દેવા માટે બુથવાઈઝ આયોજન કરવાનું માર્ગદર્શન અપાયુ હતંુ. બપોર વચ્ચે સખત તાપ હોવાથી મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાનું કામ અઘરૂ છે. ભાજપે તેની જૂની અને જાણીતી યોજના મુજબ સવારે ૧૦ વાગ્યા સુધીમાં પોતાના તરફી મહત્તમ મતદાન કરાવવાની તૈયારી કરી છે. ઓછું મતદાન ભાજપને નુકશાન કરી શકે તેવી ભૂતકાળના અનુભવથી બંધાયેલી માન્યતાના આધારે ભાજપ ઉંચુ મતદાન કરાવવા માગે છે. આ વખતે મતદાન કરવા આવતી વખતે મતદારે સ્લીપ ઉપરાંત માન્ય ૧૨ પૈકી કોેઈપણ એક ઓળખ પુરાવો સાથે રાખવો જરૂરી છે. તેના માટે અત્યારથી જ મતદારોને જાગૃત કરવા કાર્યકરો મારફત ગોઠવણી કરવાનુ ગઈકાલની બેઠકમાં જણાવાયુ હતું.  ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ દેખાડવા ઘરે ઘરે કમળના નિશાનવાળા સ્ટીકર તથા ઝંડા લગાડી કેસરિયો માહોલ સર્જવા માટે પ્રભારી અને સંગઠન મહામંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

(11:52 am IST)