Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સુરતના કતારગામમાં ચૂંટણીફંડના નામે ખંડણી માંગનાર આરોપી ઝડપાયો

તળશીભાઈને પુત્રનો ફોટો બતાવી 50 લાખની ખંડણી માંગી :ચૂંટણી ફંડ માટે મુંબઈથી રાણાભાઈએ 50 લાખ માંગ્યાની વાતો કરતો અને પુત્રને મારી નાખવાની ધમકી આપતો

સુરત કતારગામ વિસ્તારમાં રહેતા એક હીરા વ્યાપારીને છેલ્લા ત્રણ દિવસથી ખંડણી માટે ફોન આવી રહ્યો હતો. ખંડણી માંગનાર હાલ ચાલી રહેલી ચૂંટણીમાં ફંડ આપવા માટે કહી રહ્યો હતો. મુંબઇથી રાણાભાઈએ ચૂંટણી ફંડ માંગ્યુ હોવાની વાત કરવામાં આવતી હતી. જો કે પોલીસની સતર્કતાને લઇ હાલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

    આ અંગે મળતી વિગત મુજબ સુરત ખાતે કતારગામ વિસ્તારમાં રેહતા તળશીભાઈ માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક વ્યક્તિ દ્વારા તેમને રસ્તા ઉપર રોકવામાં આવ્યા હતા. અને પોતાના મોબાઇલમાં તેમના પુત્રનો ફોટો બતાવી 50 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જો કે તળશીભાઈ સતર્ક હતા તેમના દ્વારા આરોપીને અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતાં પરંતુ તે જવાબ આપી શક્યો નહતો તેથી તે ત્યાંથી ફોન ઉપર સંપર્કમાં રહેવાનું કહી ફરાર થઇ ગયો હતો. તે ફોન ઉપર અને રૂબરૂ બન્ને વખતે ચૂંટણી ફંડ માટે મુંબઇથી રાણાભાઇએ 50 લાખ માંગ્યાની વાત કરતો હતો ઉપરાંત તે તળશીભાઈના પુત્રને મારી નાખંવાની ધમકી આપી રહ્યો હતો. સાથે સાથે તે વ્યક્તિએ પોતાના એકાઉન્ટ નંબર પણ તળશી ભાઈને નાણાં જમા કરાવવા માટે આપ્યો હતો.

તળશીભાઈને આ પ્રકારના ફોન આવતા તેઓ ગભરાયા હતા પરંતુ તેઓ હિંમત એકઠી કરી તાત્કાલિક પણે સુરત શહેર પોલિસ કમિશ્નરને મળ્યા હતા. જ્યાંથી તેમને ક્રાઇમબ્રાન્ચ ખાતે મોકલવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા બાદ તળશીભાઈની ફરિયાદ લેવામાં આવી હતી. તથા આ કેસની ઝીણી વિગતો પોલીસે એકઠી કરવા માંડી હતી. પોલીસ દ્વારા ફોનં નંબરના લોકેશનની વિગતો પણ મંગાવવામાં આવી હતી.

આ ઉપરાંત સાવન દ્વારા આપવામાં આવેલા બેન્ક એકાઉન્ટી ડિટેલ થકીથી પણ તાત્કાલિક પણે સાવનનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું હતું. લોકેશન શોધ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક પણે સાવનની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સાવને જણાવ્યું હતુ કે અગાઉ એ તળશીભાઇના દિકરાને મળ્યો હતો. જ્યારે તેનો ફોટો તેના દ્વારા પાડવામાં આવ્યો હતો. આ જ ફોટો બતાવી સાવન તળશીભાઈને ધમકાવી રહ્યો હતો.

સુરત ખાતે રહેતા તળશીભાઈ નાણાંકીય સુખ ધરાવતા હોવાને કારણે સાવનને આસાનીથી નાણાં મળી જશે એવું લાગતા તેના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. સાવન છેલ્લા ઘણાં સમયથી બેકાર હોવાને કારણે તેને તાત્કાલિક ધનવાન બનવાના સપના જોયા અને એ સપનાના ભોગે આજે સાવન જેલમાં છે.

(9:08 pm IST)