Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કોર્પોરેશન બિલ્ડીંગની ફાયર સેફ્ટી એનઓસી ના લેવાઈ

એનઓસી મામલે કોર્પોરેશનની ચુક સપાટી પર : દેવઓરમ દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી એનઓસી ના હોય તેવી ઉંચી ઇમારતોને નોટિસ અપાઈ ત્યારે ચુક સપાટીએ

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની આગ લાગે ત્યારે કૂવો ખોદવાની વર્ષો જૂની નીતિ રીતિનો અમલ દેવ ઓરમ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના બાદ શહેરની તમામ કોમર્શિયલ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની એનઓસીની ચકાસણીની હાથ ધરાયેલી કવાયત છે. આમ તો તંત્રે મહિના પહેલાં ફાયર સેફ્ટીને મામલે ચક્રો ગતિમાન કર્યાં હતાં, પરંતુ તેમાં અગમ્ય કારણસર ઠંડું પાણી રેડાયું હતું. જો તે વખતે સત્તાવાળાઓએ આમાં પીછેહઠ ન કરી હોત તો ખુદ ખમાસા-દાણાપીઠમાં આવેલા મ્યુનિસિપલ મુખ્યાલયની ફાયર સેફ્ટીની લગભગ બે વર્ષ પહેલાં એનઓસી લેવાઈ નથી. તે બાબત ઉજાગર થઈ જાત, પરંતુ હવે તંત્ર દ્વારા એનઓસી મેળવવાના પ્રયાસ આરંભાયા હોઈ દીવા તળે અંધારું જેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. એનઓસી મામલે અમ્યુકોની ગંભીર ચૂક સામે આવતાં ભારે ચર્ચા ઉઠવા પામી છે. જૂના સરદાર પટેલ ભવનને તે ઐતિહાસિક હોઈ તંત્ર દ્વારા હેરિટેજ બિલ્ડિંગ જાહેર કરાયા બાદ મેયર કમિશનર સહિતના ટોચના હોદ્દેદારો અને અધિકારીઓ માટે મુખ્યાલય પરિસરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેટ લુક ધરાવતું નવું મ્યુનિસિપલ મુખ્યાલય તૈયાર કરાયું છે. સી બ્લોક તરીકે ઓળખાતા આ નવા બિલ્ડિંગનું ગત તા.૨૦ ઓગસ્ટ,૨૦૧૦એ લોકાર્પણ કરાયું હતું. છ માળ ઊંચી આ બિલ્ડિંગમાં અતિ આધુનિક ફાયર સેફ્ટી બેસાડાઈ હોવાનો તંત્રનો દાવો છે, પરંતુ ફાયર સેફ્ટી એનઓસી રિન્યૂ કરવાના મામલે ગંભીર લાપરવાહી દાખવાઈ હોવાની બાબત પ્રકાશમાં આવી છે. સત્તાવાળાઓ દ્વારા દેવ ઓરમની આગની દુર્ઘટનાના પગલે સમગ્ર શહેરની કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગની ફાયર સેફ્ટી એનઓસીની ચકાસણી હાથ ધરાઈ છે. મંગળવારે દેવ ઓરમનાં ત્રણ ટાવરને ફાયર સેફ્ટીની એનઓસી ન હોવાથી સીલ કરાયાં હતાં. ગઈકાલે એસજી હાઈવે અને આનંદનગરના છ હાઈરાઈઝ બિલ્ડિંગ પૈકી ચારમાં ફાયર સેફ્ટીની એનઓસી ન હતી. આજે સત્તાવાળાઓ પાર્શ્વનાથ બિલ્ડિંગ પાર્ક, સંજય ટાવર, ધનંજય ટાવર, સચીન ટાવરને ફાયર એનઓસીને મામલે નોટિસ ફટકારશે. પરંતુ મ્યુનિસિપલ મુખ્યાલયના એ, બી અને સી એમ ત્રણે બ્લોકની એનઓસીને ગત તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૧૭થી સત્તાવાળાઓએ રિન્યુ કરાવી નથી તેવું ફાયર બ્રિગેડનાં આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળતાં ખળભળાટ મચ્યો છે. સી બ્લોકની ફાયર સેફ્ટીમાં સાઈરન સિસ્ટમ બંધ છે તેમજ આગને બુઝાવવા પાણી છોડવા પાઈપમાં પાણી જ આવતું ન હોઈ ગમે ત્યારે બિલ્ડિંગ સામે આગથી જામમાલની હાનીનું જોખમ તોળાયેલું જ રહે છે. આ બિલ્ડિંગ ઉપરાંત એ બ્લોક અને બી બ્લોકમાં અન્ય મ્યુનિસિપલ અધિકારીઓ-કર્મચારીઓની ઓફિસ છે. જેમાં મધ્ય ઝોનની ઓફિસનો પણ સમાવેશ થાય છે. આ ઓફિસમાં અનેક મહત્ત્વની ફાઈલ, કમ્પ્યૂટરો સહિતની જરૂરી સાહિત્ય હોઈ આગના સંજોગોમાં લાખો નાગરિકોના જે તે વિભાગને લગતી અધિકૃત ટેક્સ સહિતની માહિતી સામે સંકટ તોળાયેલું રહે છે. આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સૌરભ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, આ બાબતની મને જાણ નથી. હું નીચેના અધિકારીઓને પૂછીને કહું છું. જ્યારે મધ્ય ઝોનના એડિશનલ સિટી ઈજનેર અમિત પટેલે આ ત્રણે બિલ્ડિંગની એનઓસીને ગઈકાલે રિન્યુ કરાઈ હોવાનો દાવો કર્યો હતો. આમ, જે નિયમનું પાલન કરાવવા અમ્યુકો દંડો ઉગામી રહી છે, તેના પાલનમાં પોતાનાથી જ ચૂક રહી ગઇ હતી તે મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

(9:10 am IST)