Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

વડોદરાની દીપક નાઇટ્રેટ કંપનીના પૂર્વ મેનેજર મહિલા કર્મચારી સામે રૂ.૩૭૦ કરોડની નુકશાની કર્યાનો કોર્ટમાં કેસ

વડોદરા : વડોદરાની જાણીતી કેમિકલ કંપની દીપક નાઇટ્રેટે તેની એક પૂર્વ મેનેજર મહિલા કર્મચારી સામે સ્થાનિક કોર્ટમાં રૂ. 370 કરોડની નુકસાનીનો દાવો કર્યો હોવાના મીડિયામાં સમાચાર છે. કંપનીએ પૂર્વ મહિલા મેનેજર પર નોકરી છોડતા અગાઉ કંપનીના મહત્વના ડેટા ચોરી કરવાનો આક્ષેપ કર્યો છે. આ પૂર્વ મેનેજર ગુરૂગ્રામની જે કંપનીમાં જોડાઈ છે તે હરીફ કંપની સંખ્યાબંધ જીબી સેન્સિટિવ ડેટા ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ સિવિલ સ્યૂટમાં ઉલ્લેખ મુજબ, વર્ષ 2020-21માં કંપનીના ફાઈન અને સ્પેશિયાલિટી સેગમેન્ટનું ટર્ન ઓવર રૂ.600 કરોડ થવાની અપેક્ષા છે પરંતુ ડેટાચોરી થવાને કારણે કંપનીને રૂ.350 કરોડનું નુકસાન વેઠવું પડશે અને ટર્ન ઓવરનો ટાર્ગેટ પણ હાંસલ થઈ શકશે નહીં. આ ઉપરાંત 10 કરોડની ખોટ તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે રોકેલા અન્ય રૂ.10 કરોડનું પણ નુકસાન જશે.

કંપનીના સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે દીપક નાઇટ્રેટે આ અંગે વડોદરાની સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયું છે કે, કંપનીમાં નોકરી કરતી પૂર્વ મહિલા મેનેજરે તેમના કાર્યકાળ દરમિયાન કંપની પ્રોડક્ટ્સના ભાવ, રિપોર્ટ, પ્રોડક્ટ્સ, પ્રોડક્ટ રેસિપી સહિતનો સંખ્યાબંધ જીબી ડેટા ચોરી કરી લીધો હતો. આ કંપનીમાંથી 10 જાન્યુઆરીએ નોકરી છોડ્યા બાદ તેઓ ગુરૂગ્રામ સ્થિત હરિફ કંપનીમાં જોડાયા હતા. જો કે, તેમણે દીપક નાઇટ્રેટ કંપનીનો ડેટા ઇ-મેઇલ ઉપર ટ્રાન્સફર કર્યો હતો.

(4:51 pm IST)